લંડનઃ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી)ના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ ભારતને વિપુલ તકોનો દેશ ગણવા રમતવિશ્વના નેતાઓને અનુરોધ કર્યો હતો તેમજ વિશ્વની સૌથી ઝડપે વિકસતી સ્પોર્ટ્સ સિસ્ટમની યાત્રામાં સામેલ થવા આમંત્રિત કર્યા હતા. લંડનમાં લીડર્સ વીક ૨૦૧૯માં વૈશ્વિક બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ કરતાં ૩૦૦થી વધુ ઉદ્યોગોના અગ્રણીઓને સંબોધન કરતાં તેમણે યુવાન ભારતે રમતોનાં વિશ્વમાં કેવી હરણફાળ ભરી છે તેની ઝાંખી પ્રસ્તુત કરી હતી.
‘ઇન્સ્પાયરિંગ એ બિલિયન ડ્રીમ્સઃ ધ ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટી’ વિષય પર ચાવીરુપ વક્તવ્ય આપતાં નીતા અંબાણીએ ભારતની ૬૦૦ મિલિયન વસ્તી ૨૫ વર્ષથી ઓછી વયની હોવાનું જણાવી ઉમેર્યું હતું કે દેશનું અર્થતંત્ર પણ ઝડપી વૃદ્ધિ સાધી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે,‘૧.૩ બિલિયનની વસ્તી ધરાવતો દેશ આંતરરાષ્ટ્રીય તખતા પર અગ્રણી મેડલવિજેતા દેશોમાં સ્થાન ન મેળવી શકે એનું કોઈ કારણ નથી. ભારત દુનિયામાં ઓલિમ્પિક્સ અને ફિફા વર્લ્ડ કપ જેવી સૌથી પ્રતિષ્ઠિત સ્પોર્ટિંગ ચેમ્પિયનશિપ જેવી કેટલીક સ્પર્ધાનું આયોજન કરે તેવું મારું સ્વપ્ન છે.’
શ્રીમતી અંબાણીએ દેશમાં સ્વસ્થ સ્પોર્ટ્સ સંસ્કૃતિને આગળ ધપાવવામાં વર્તમાન સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે,‘આપણે નસીબદાર છીએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતને ગ્લોબલ સ્પોર્ટિંગ પાવરહાઉસમાં રુપાંતરિત કરવાની દૂરદર્શિતા ધરાવે છે. યોગને વિશ્વમાં આગળ ધપાવવા ઉપરાંત વડા પ્રધાને રમતોને પ્રોત્સાહન આપવા તાજેતરમાં ખેલો ઈન્ડિયા કાર્યક્રમ અને ફિટ ઈન્ડિયા આંદોલન જેવી બે મહત્ત્વપૂર્ણ પહેલ લોન્ચ કરી છે. અત્યારે ભારતમાં રમતો માટે સૌથી વધુ સાનુકૂળ, પ્રોત્સાહનજનક અને પ્રેરક વાતાવરણ જોવા મળે છે, જે અગાઉ કદી જોવા મળ્યું નથી.’
નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન તરીકે એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફોર ઓલ (ESA) પહેલના વિવિધ કાર્યક્રમો દ્વારા દેશભરના બાળકોનાં જીવનને સુધારવા અને કચડાયેલાં અને અક્ષમ બાળકોને આગળ વધારવા મહેનત કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે,‘ ‘અમારો શાળાઓ- કોલેજો માટે આરએફ યૂથ સ્પોર્ટ્સ પ્રોગ્રામ ૯ મિલિયન બાળકોને આંબી ગયો છે. રિલાયન્સ ફાઉન્ડેશન જુનિયર એનબીએ પ્રોગ્રામથી ૧૧ મિલિયન બાળકોને અસર થઈ છે. સંપૂર્ણપણે જોઈએ તો તમામ રમતોમાં દેશભરમાં ૨૧.૫ મિલિયનથી વધારે બાળકોનાં જીવનને સ્પર્શે છે.’ મુંબઈ ઇન્ડિયન ફ્રેન્ચાઈઝીની સહમાલિક નીતા અંબાણી પીઠની સર્જરી માટે લંડન આવેલા મુંબઈના સ્ટાર ખેલાડી અને ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને મળ્યાં હતાં અને ફૂલોનો બૂકે આપીને જલદીથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.