નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચેના કોઈ પણ મુકાબલાની દુનિયાભરના ક્રિકેટચાહકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આવા ચાહકો માટે આનંદના સમાચાર છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલે 2023ના વર્ષ માટે કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં વન-ડે એશિયા કપ પણ સામેલ છે. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત વિમેન્સ ટી20 ઇમર્જિંગ એશિયા કપ, મેન્સ ઇમર્જિંગ 50 ઓવર એશિયા કપ તથા મેન્સ અંડર-19 એશિયા કપમાં પણ બંને પરંપરાગત હરીફ ટીમોને એક જ ગ્રૂપમાં રાખવામાં આવી છે.
ચાલુ વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં ભારતમાં વન-ડે વર્લ્ડ કપ પણ રમાવાનો છે. જેમાં પણ રોહિત શર્મા અને બાબર આઝમની ટીમ આમનેસામને થાય તેવી સંભાવના છે. આ સિવાય અંડર-19 વિમેન્સ વર્લ્ડ કપમાં પણ ભારત અને પાકિસ્તાનની ટીમો રમવાની છે. ચાલુ વર્ષે છ ટૂર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે 10 કરતાં વધારે મુકાબલા રમાય તેવી સંભાવના છે.
વન-ડે એશિયા કપ સપ્ટેમ્બરમાં રમાવાનો છે પરંતુ હજુ સુધી સ્થળ જાહેર થયા નથી. પાકિસ્તાનને યજમાની મળી છે પરંતુ ભારતે પાકિસ્તાન જવાનો ઇનકાર કરી દીધો છે. આ સ્થિતિમાં ન્યૂટ્રલ વેન્યૂ ઉપર ટૂર્નામેન્ટ રમાય તેવી સંભાવના છે. કુલ છ ટીમો રમશે અને ભારત અને પાકિસ્તાન ઉપરાંત ક્વોલિફાયર-1 ટીમને એક ગ્રૂપમાં સ્થાન મળ્યું છે. બીજા ગ્રૂપમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ સુપર-4 અને ફાઇનલ રમાશે. આમ બન્ને ટીમો એક જ ટૂર્નામેન્ટમાં ત્રણ વખત ટકરાય તેવી સંભાવના છે. અંડર-19 વિમેન્સ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન અલગ ગ્રૂપમાં છે. બન્ને ટીમ સુપર-6 તથા ફાઇનલ સહિત બે નોકઆઉટમાં ટકારાઈ શકે છે.