નવી દિલ્હીઃ સરહદ પર ભલે તણાવભરી પરિસ્થિતિ હોય, પણ ભારત-પાકિસ્તાનની ક્રિકેટ મેચ પ્રત્યે સમર્થકોનો ઉત્સાહ સહેજ પણ ઠંડો પડયો નથી. ઇંગ્લેન્ડના આંગણે આવતા મહિને શરૂ થઇ રહેલા આઇસીસી વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચની લગભગ ૨૫ હજાર ટિકિટો માત્ર ૪૮ કલાકમાં વેચાઈ ગઈ હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૬ જૂને માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ સ્ટેડિયમમાં મુકાબલો થશે. સ્ટેડિયમમાં ૨૫ હજાર પ્રેક્ષકોની ક્ષમતા હોવા છતાં ચાર લાખથી વધારે લોકો વેઇટિંગમાં હતા. અહીં જ ૨૬મી જૂને ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મુકાબલો થવાનો છે, પરંતુ તેમાં લોકોને સહેજ પણ રસ નથી.
ભારત-પાકિસ્તાન મેચ વખતે જે માહોલ તથા ઉત્સાહ હશે તે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારા મુકાબલા દરમિયાન પણ નહીં હોય. ઓલ્ડ ટ્રેફર્ડમાં ભારતે છેલ્લે ઇંગ્લેન્ડ સામે ટી-૨૦ મેચ રમી હતી. ઇન્ડો-પાક. મેચ પહેલાં ઇંડિયન આર્મીની એક કોન્સર્ટ પણ અહીં યોજાશે.
બીજી તરફ, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચની ટિકિટો માટે લગભગ બે લાખ ૪૦ હજાર સમર્થકોએ અરજી કરી છે. વર્લ્ડ કપની ફાઇનલની ટિકિટો માટે પણ બે લાખ ૭૦ હજાર સમર્થકો અરજી કરી ચૂક્યા છે.