દુબઈ: ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસૈનનું માનવું છે કે, ભારતીય ટીમ આઇસીસી ટૂર્નામેન્ટમાં નિર્ભયતાથી ક્રિકેટ રમી શકતી નથી. ટી૨૦ વર્લ્ડ કપમાંથી જલદીથી બહાર થવાનું બીજું મુખ્ય કારણ ભારત પાસે કોઈ વૈકલ્પિક યોજનાઓ નહોતી અને પ્રત્યેક મેચમાં ટીમ સિલેક્શનનો મુદ્દો સળગતો રહ્યો હતો. ભારત પાસે ટેલન્ટની સહેજ પણ ખોટ નથી પરંતુ આઇસીસી ઇવેન્ટ્સમાં ભારતીય ખેલાડીઓ નીડરતાપૂર્વકની રમત દાખવી શકતા નથી તે મુખ્ય સમસ્યા છે.
ભારતને હું ટાઇટલ માટેનું દાવેદાર માનતો હતો તેવું હુસૈને જણાવીને ઉમેર્યું હતું કે યુએઇમાં ભારતીય ટીમ આઇપીએલ રમી હતી અને ટીમમાં ઘણા સ્ટાર ખેલાડીઓ છે. ભારત પાસે અચાનક મેદાનમાં તૈયાર કરવી પડતી બીજી વૈકલ્પિક યોજનાઓ હોતી નથી. હાર્દિકને માત્ર બેટ્સમેન તરીકે રમાડવાના કારણે ટીમનું બેલેન્સ બગડી ગયું હતું જેની ભારતે સૌથી મોટી કિંમત ચૂકવી છે.