કોલંબોઃ રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી ત્યારે ભારતીય ટીમમાં 'મિ. ડિપેન્ડેબલ'નું સ્થાન કોણ લેશે તેની સામે પ્રશ્નાર્થ હતો. જોકે, ભારતને દ્રવિડના વિકલ્પ માટે વધારે લાંબો સમય રાહ જોવી પડી નહીં અને ચેતેશ્વર પૂજારા તરીકે નવી ‘ધ વોલ’ મળી ગઇ છે. રાજકોટનો ચેતેશ્વર શ્રીલંકા સામે ગુરુવારથી શરૂ થતી બીજી ટેસ્ટ મેચ સાથે કારકિર્દીની ૫૦મી ટેસ્ટ રમવાની સિદ્ધિ હાંસલ કરશે. ગાલે ટેસ્ટમાં શ્રીલંકા સામે અણનમ ૧૪૪ રન ફટકારનાર ચેતેશ્વર કહે છે કે ‘મેં ક્રિકેટનો કક્કો શીખવાનું શરૂ કર્યું ત્યારથી ટેસ્ટ ક્રિકેટમાં મારું લક્ષ્ય હતું. હવે ભારત માટે ૫૦મી ટેસ્ટમાં રમવું તે ગૌરવની ક્ષણ બની રહેશે. કારકિર્દીમાં ઘણા ચઢાવ-ઉતાર આવ્યા છે. પરંતુ મને કારકિર્દીથી ખૂબ જ સંતોષ છે. વર્તમાન ફોર્મ જોતાં ૫૦મી ટેસ્ટમાં શ્રેષ્ઠ યોગદાન આપવા આતુર છું.’
સફળતાનો શ્રેય પિતા - સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર અરવિંદ પૂજારાને આપતા ચેતેશ્વર કહે છે, ‘પિતા મારા માટે સર્વશ્રેષ્ઠ અને ખરાબ ટીકાકાર રહ્યા છે. ક્યારેક તેમણે ખૂબ આકરા શબ્દોમાં મારી ટીકા કરી છે. હવે તેઓ મારા પ્રત્યે વધારે કડક રહ્યા નથી.’
કાઉન્ટી ક્રિકેટનો ફાયદો
ગાલે ટેસ્ટમાં અણનમ ૧૪૪ રન ફટકારનારા ચેતેશ્વર કહે છે કે કાઉન્ટી ક્રિકેટમાં રમવાથી તેને ઘણો ફાયદો થયો છે. કાઉન્ટી ક્રિકેટમાં રમવુ અત્યંત ચેલેન્જીંગ હોય છે. કાઉન્ટી ક્રિકેટમાં પૂજારા નોર્થમ્પ્ટનશાયર તરફથી રમી ચૂક્યો છે.