મુંબઈઃ કેપ્ટન વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમ ઇંડિયા આ વર્ષનો વન-ડે વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ છે તેમ લેજન્ડ બેટ્સમેન સચિવ તેંડુલકરનું માનવું છે. ૨૦૧૯નો વન-ડે વર્લ્ડ કપ ૩૦ મેથી ઇંગ્લેન્ડ ખાતે શરૂ થઇ રહ્યો છે. સચિન તેંડુલકરે જણાવ્યું હતું કે, ‘આપણી ટીમને તકની વાત છે ત્યાં સુધી હું એમ કહેવામાં કોઈ ખચકાટ અનુભવતો નથી કે ભારત ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરીટ છે. ભારતીય ટીમ સંતુલિત છે અને તે કોઈ પણ પિચ ઉપર શ્રેષ્ઠ દેખાવ કરવા માટે સક્ષમ છે. ભારત ઉપરાંત ઇંગ્લેન્ડની ટીમ પણ ચેમ્પિયન બનવા માટે દાવેદાર છે. ન્યૂ ઝીલેન્ડે ભારત સામે તાજેતરની વનડે શ્રેણીમાં સાધારણ દેખાવ કર્યો છે, પરંતુ તેમની દાવેદારી પણ નકારી શકાય નહીં. હાલનું ફોર્મ જોતાં ઇંગ્લેન્ડ-ન્યૂ ઝીલેન્ડ ડાર્ક હોર્સ છે. સ્ટિવ સ્મિથ, ડેવિડ વોર્નરના પુનરાગમન બાદ ઓસ્ટ્રેલિયા પણ મજબૂત ટીમ બની જશે. જોકે, વન-ડે ફોર્મેટ એવા પ્રકારની છે જેમાં બે કલાક નબળો દેખાવ કરો તો તમે ૫૦ ટકા મેચ ગુમાવી દો છો.’
અન્ય રમતમાં ભારતના પ્રદર્શનને પણ સચિન તેંડુલકરે વખાણ્યું હતું. સચિને જણાવ્યું હતું કે, ‘સાક્ષી મલિક, પીવી સિંધુ જેવી પ્લેયર્સ ઓલિમ્પિકમાં મેડલ સાથે દેશનું ગૌરવ વધાર્યું છે. હવે વધુને વધુ લોકો સ્પોટ્સ પ્રત્યે જાગૃત થઈ રહ્યા છે. કોઈ બાળકને ડોક્ટર, એન્જિનિયરને સ્થાને સ્પોર્ટ્સમાં કારકિર્દી ઘડવી હોય તોપણ તેમને માતાપિતા સમર્થન આપી રહ્યા છે. મહિલા અને પુરુષ બને માટે શરૂઆતથી સમાન માળખાકીય સવલત મેળવી જોઈએ તેમ મારું માનવું છે.’