માન્ચેસ્ટરઃ વર્લ્ડ કપના મહામુકાબલા સમાન ભારત-પાકિસ્તાનની મેચ પહેલાં શનિવારે રાત્રે બે વાગ્યા સુધી પાક. ખેલાડી શોએબ મલિક તેની પત્ની સાનિયા મિર્ઝા સાથે શીશા હુક્કા બારમાં હતો. તેમની સાથે પાકિસ્તાનના અન્ય ખેલાડી વહાબ રિયાઝ, ઇમામ ઉલ હક તથા ઇમદ વસીમ પણ હતા. બારમાં હાજર પાકિસ્તાનના કેટલાક સમર્થકોએ તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. વીડિયો બહાર આવ્યા બાદ પાકિસ્તાની સમર્થકોએ તેમના પસંદગીના ખેલાડીઓને અપશબ્દોથી નવાજ્યા હતા. જવાબમાં સાનિયા મિર્ઝાએ પ્રશ્નાર્થ કર્યો હતો કે શું અમે ડિનર માટે પણ ન જઇ શકીએ?
ભારત સામેની મેચમાં શોએબ મલિક હાર્દિક પંડયાની બોલમાં ખાતું ખોલાવ્યા વિના જ આઉટ થઇ ગયો હતો. મેચ પહેલાં હુક્કા બારમાં જવાનો વીડિયો વાઇરલ થયા બાદ ચોમેર આ ખેલાડીઓની આકરી ટીકાઓ થઇ રહી છે અને કેટલાકે તો શોએબ મલિક તથા કેપ્ટન સરફારઝને ટીમમાંથી હાંક કાઢવાની માગણી કરી છે. વીડિયોમાં રિયાઝ, વસીમ તથા ઇમામ ઉલ હક પણ નજરે પડે છે. માન્ચેસ્ટરના શીશા હુક્કા બારમાં પાકિસ્તાની સમર્થકોએ આ વીડિયો બનાવ્યો હતો અને તસવીરો પણ લીધી હતી. તેમાં સાનિયા અને શોએબ સ્પષ્ટ નજરે પડે છે. તેમાં એક મહિલા સ્મોકિંગ કરતી પણ નજરે પડે છે. જોકે તે કોણ છે તેની ઓળખ થઇ શકી નથી.
સાનિયાએ ટ્વિટમાં વીડિયો પોસ્ટ કરનાર વ્યક્તિ સામે આક્ષેપ કરીને જણાવ્યું હતું કે આ વીડિયો અમારી મંજૂરી વિના બનાવ્યો છે. આ અમારા વ્યક્તિગત જીવનનું અપમાન છે. અમારી સાથે બાળકો પણ હતા. અમે ડિનર ઉપર ગયા હતા. શું મેચ હારી જઇએ તો ખાવાનું નહીં ખાઇએ? આ મૂર્ખાઓની ટોળકી છે.