નવી દિલ્હી: પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના કુલ મળીને 117 ખેલાડીઓ જુદી - જુદી 16 રમતોની વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે. ઇંડિયન ઓલિમ્પિક એસોસિએશને (આઇઓએ) ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા 110 ખેલાડીઓ અને સાત રિઝર્વ એમ કુલ 117 ખેલાડીઓની યાદી જાહેર કરી હતી. ભારતે એથ્લેટિક્સ, હોકી અને ટેબલ ટેનિસમાં રિઝર્વ ખેલાડીઓને પણ પેરિસ મોકલ્યા છે. ભારતીય ખેલાડી કુલ 16 સ્પર્ધામાં ભાગ લેશે. આ ઉપરાંત ભારતીય ટીમમાં 140 કોચ, સપોર્ટ સ્ટાફ અને ઓફિશિઅલ્સ સહિત ભારતીય મિશનમાં કુલ 257 સભ્યો છે.
ગગન નારંગ ચીફ દ મિશન
ભારતની મહિલા ગોળા ફેંક ખેલાડી આભા ખાતુને વર્લ્ડ રેન્કિંગના આધારે પેરિસ ઓલિમ્પિકમાં ક્વોલિફાય કર્યું હતું. જોકે, તેને આઇઓએ દ્વારા જાહેર કરાયેલી ખેલાડીઓની યાદીમાં સ્થાન મળ્યું નથી. આ ઉપરાંત વર્લ્ડ એથ્લેટિક્સે પેરિસ ગેમ્સમાં ક્વોલિફાય થયેલા ખેલાડીઓની આખરી સુધારેલી યાદી જાહેર કરી છે, તેમાં પણ આભાનું નામ નથી. ભારતના ચીફ દ મિશન તરીકે ભૂતપૂર્વ ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટર ગગન નારંગને પસંદ કરવામાં આવ્યા છે.
શરથ અને સિંધુ ધ્વજવાહક
પેરિસ ઓલિમ્પિકના ઉદ્ધાટન સમારંભમાં ભારતના ધ્વજવાહક તરીકે ટેબલ ટેનિસના ખેલાડી અંચત શરથ કમલ અને બેડમિંગ્ટન સ્ટાર પી.વી. સિંધુ નેતૃત્વ કરશે. સિંધુ બે વખત ઓલિમ્પિકમાં ચંદ્રકવિજેતા રહી ચૂકી છે. જ્યારે ટેનિસ ખેલાડી શરથ કમલને ધ્વજવાહક તરીકે પસંદ કરવામાં આવ્યો તેની ટીકા પણ થઈ હતી. ભારતને ગત ઓલિમ્પિકમાં એથ્લેટિક્સમાં ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક અપાવનારા નીરજ ચોપરાને ધ્વજવાહક બનાવવા માગ થઈ હતી. જોકે નીરજની ભાલા ફેંકની સ્પર્ધા ઓલિમ્પિકના ઉત્તરાર્ધમાં છે, જેના કારણે તે ઉદ્ઘાટન સમારંભ બાદ ત્યાં પહોંચવાનો છે. આ કારણસર શરથ કમલને ધ્વજવાહક બનાવાયો હોવાનો ખુલાસો થયો છે.
કયા રાજ્યના કેટલા ખેલાડી?
રાજ્ય (ખેલાડી): હરિયાણા (23) • પંજાબ (18) • તમિલનાડુ (13) • ઉત્તર પ્રદેશ (9) • કર્ણાટક (7) • કેરળ - મહારાષ્ટ્ર - દિલ્હી (5-5) • ઉત્તરાખંડ - આંધ્ર પ્રદેશ - તેલંગણ (4-4) • પશ્ચિમ બંગાળ (3) • ગુજરાત - ઓડિશા - મધ્ય પ્રદેશ - મણિપુર - ચંદિગઢ - રાજસ્થાન (2-2) • સિક્કીમ - ઝારખંડ - ગોવા - આસામ અને બિહાર (1-1)