નવી દિલ્હીઃ વર્લ્ડ કપ જીતવા માટે હોટ ફેવરિટ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામેની સેમિ-ફાઈનલમાં હારી જતાં ક્રિકેટ ચાહકોએ તો ભારે આઘાત અનુભવ્યો હતો જ, સાથે સાથે સટ્ટાબજારમાં પણ મોટી ઉથલપાથલ થઈ હતી. ભારતની હારથી દિલ્હીના પંટરોએ રૂપિયા ૧ અબજથી વધુ ગુમાવ્યા હતા. વરસાદના કારણે બે દિવસમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડની બોલિંગ શરૂ થઈ ત્યાં સુધી ટીમ ઈન્ડિયાની જીત નક્કી લાગતી હતી. જેના કારણે મોટા ભાગનો સટ્ટો ભારતની જીત પર જ લાગ્યો હતો. આઘાતજનક શરૂઆત બાદ જાડેજા અને ધોનીએ લડત આપતાં પણ ટીમ ઈન્ડિયાની જીત નક્કી લાગવા માંડી હતી, પણ ન્યૂઝીલેન્ડે બાજી પલ્ટી નાંખતાં ક્રિકેટ ચાહકોની સાથે પંટરો પણ સ્તબ્ધ બની ગયા હતા.
ન્યૂઝીલેન્ડની ટીમે જ્યારે ૨૩૯નો સ્કોર કર્યો, ત્યારે તો ભારતની મજબૂત બેટીંગ લાઈનઅપને જોતા ટીમ ઈન્ડિયાની જીતનો બધાને ભરોસો હતો. સટ્ટાબજારમાં પણ ન્યૂઝીલેન્ડ પર કોઈ દાવ લગાવવા માટે તૈયાર નહોતું.
એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે સટ્ટાબજારમાં સેમિ-ફાઈનલમાં ભારતની જીતનો ભાવ રૂપિયા ૪.૩૫ હતો, જ્યારે ન્યૂઝીલેન્ડની જીતનો ભાવ રૂપિયા ૪૯ હતો. મતલબ કે મેચ શરૂ થાય તે પહેલા જ ન્યૂઝીલેન્ડની હાર નિશ્ચિત મનાતી હતી.