નવી દિલ્હીઃ ભારતે ટોક્યો ઓલિમ્પિક ગેમ્સના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતાં સૌથી વધુ સાત મેડલ જીતીને એક નવું સીમાચિહન અંકિત કર્યું છે. આમાં એક સુવર્ણ ચંદ્રક, બે રજત અને ચાર કાંસ્ય પદકનો સમાવેશ થાય છે. લંડનમાં ૨૦૧૬માં યોજાયેલા ઓલિમ્પિક્સમાં ભારતીય ખેલાડીઓએ છ મેડલ જીત્યા હતા તેની સરખામણીએ આમ તો માત્ર એક આંકનો વધારો છે, પરંતુ આ વખતે ભારતીય રમતવીરોનો દેખાવ ખૂબ જ પ્રોત્સાહક રહ્યો છે તેનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે. ભારતીય રમતવીરોએ શાનદાર પ્રદર્શન થકી રમતગમત ક્ષેત્રે ભારતના ઉજળા ભાવિની ઝલક રજૂ કરી છે.
ભારતીય હોકીમાં મેન્સ ટીમે ચાર દસકામાં પહેલી વખત જ્વલંત દેખાવ કરતાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. તો મહિલા હોકી ટીમે પહેલી જ વખત ટોપ-ફોરમાં સ્થાન મેળવ્યું હતું. બેડમિન્ટનમાં પી.વી. સિંધુએ, વેઇટલિફ્ટીંગમાં મીરાબાઇ ચાનુએ તો રેસલિંગમાં રવિ દહિયા અને બજરંગ પુનિયાએ, મહિલા બોક્સર લવલીના બોરગોહેને ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યા છે.
ભારતે જ્વેલિન થ્રોમાં ઇતિસાહ રચતા ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે, જે એથ્લીટમાં અત્યાર સુધીનો પહેલો ગોલ્ડ મેડલ છે. ભારતને આ સન્માન અપાવ્યું છે હરિયાણાના સપૂત અને ભારતીય સેનાના નાયબ સુબેદાર નીરજ ચોપરાએ. ‘ફ્લાઇંગ શીખ’ મિલ્ખા સિંહથી માંડીને પી.ટી. ઉષા સહિતના દિગ્ગજ ભારતીય એથ્લીટ્સ હંમેશા એથ્લીટમાં ગોલ્ડ મેડલનું સપનું સેવ્યું હતું. નીરજ ચોપરાએ તેમનું સપનું સાકાર કર્યું છે.
રવિવારે ટોક્યો ઓલિમ્પિકના સમાપન સમારંભમાં ભાગ લીધા બાદ સોમવારે વતન પરત ફરેલા ભારતીય એથ્લીટ્સનું નવી દિલ્હીના વિમાની મથકે ઢોલનગારાં તથા ફુલહારથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઉપર તેમના આગમન પહેલાં જ ભીડ જામી હતી અને સુરક્ષા કર્મચારીઓને પણ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વિવિધ એસોસિયેશનના અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચી ગયા હતા. રમતપ્રેમીઓ ખેલાડીઓ સાથે સેલ્ફી પાડવા માટે પણ ધક્કામુક્કી કરતા જોવા મળ્યા હતા. હોકીની મેન્સ અને વિમેન્સ ટીમ, જ્વેલિન થ્રોઅર નિરજ ચોપરા, રેસલર રવી દહિયા તથા બજરંગ પૂનિયા, મહિલા બોકસર લવલીના બોરગોહેનનું નવી દિલ્હીની અશોકા હોટેલ ખાતે વિશેષ સન્માન કરાયું હતું. આ સમયે રમત પ્રધાન અનુરાગ ઠાકુર, કાયદાપ્રધાન કિરણ રિજીજુ, ગૃહ રાજ્યપ્રધાન નિશીથ પ્રમાણિક હાજર રહ્યા હતા.
નીરજે ઇતિહાસ રચ્યો
શનિવારે ટોક્યો ઓલિમ્પિકમાં રેસલર બજરંગ પૂનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યાના કેટલાક સમય બાદ સ્ટાર જ્વેલિન થ્રોઅર નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ક્વોલિફિકેશન અને ફાઇનલ રાઉન્ડમાં તેનો બેસ્ટ થ્રો ૮૭.૫૮ મીટરનો રહ્યો હતો. ઓલિમ્પિકના ૧૨૫ વર્ષના ઇતિહાસમાં ભારતે ટ્રેક એન્ડ ફિલ્ડ ઇવેન્ટનો પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સાથે ઓલિમ્પિકની વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર શૂટર અભિનવ બિન્દ્રા બાદ નીરજ બીજો ભારતીય એથ્લીટ બન્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનો આ સાતમો મેડલ હતો અને ૨૦૧૬ની લંડન ઓલિમ્પિકમાં મેળવેલા છ મેડલનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ રહ્યું છે. ભારતે ૨૦૧૬ની લંડન ઓલિમ્પિક કરતાં ટોક્યો ગેમ્સમાં વધારે સારો દેખાવ કરીને હાઇએસ્ટ મેડલ્સ મેળવ્યા છે. ભારતે લંડનમાં છ મેડલ મેળવ્યા હતા જેમાં એક પણ ગોલ્ડ નહોતો. ટોક્યોમાં ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર તથા ચાર બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
નીરજે પ્રથમ પ્રયાસમાં ૮૭.૦૩ મીટર સુધી ભાલો ફેંક્યો હતો. બીજા પ્રયાસમાં તેણે ૮૭.૫૮ મીટરનું અંતર હાંસલ કર્યું હતું જેના કારણે તેનો ગોલ્ડ મેડલ નિશ્ચિત થઈ ચૂક્યો હતો કારણ કે, બંને રાઉન્ડમાં તે ટોચના ક્રમે રહ્યો હતો.
સ્વ. મિલ્ખા સિંહનું સ્વપ્ન સાકાર
ભારતના ઓલિમ્પિયન દોડવીર મિલ્ખા સિંહનું સ્વપ્ન હતું કે ભારત ઓલિમ્પિક ગેમ્સમાં એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કરે. પોતાની કારકિર્દીમાં ઓલિમ્પિક ગોલ્ડથી વંચિત રહેલા મિલ્ખા સિંહ છેલ્લા શ્વાસ સુધી આ સ્વપ્ન સેવતા રહ્યાં હતાં. તાજેતરમાં કોરોના મહામારીમાં મિલ્ખા સિંહ અને તેમના પત્નીનું નિધન થયું હતું. નીરજ ચોપરાએ પોતાનો ગોલ્ડ મિલ્ખા સિંહને સર્મિપત કર્યો હતો.
જર્મન વર્લ્ડ ચેમ્પિયન ૩ રાઉન્ડ બાદ ફેંકાઇ ગયો
ઓલિમ્પિક પહેલા જર્મન ખેલાડી અને વર્લ્ડ ચેમ્પિયન જર્મન જ્વેલિન થ્રોઅર જોહાનેસ વેટરે ઓલિમ્પિક પહેલા નીરજ ચોપરાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે નીરજ સારો ખેલાડી જરૂર છે. ફિનલેન્ડમાં ભલે તેના ભાલાએ ૮૬ મીટરનું અંતર કાપ્યું હોય પરંતુ ઓલિમ્પિકમાં મને પછાડી શકશે નહીં. જોકે આ જર્મન ખેલાડી ફાઇનલમાં ૩ રાઉન્ડ બાદ બોટમ થ્રીમાં રહેતા સ્પર્ધામાંથી જ બહાર ફેંકાઇ ગયો હતો.