કોલકાતા: ભારતના લેજન્ડરી ફૂટબોલર અને ‘ફિફા’ ઓર્ડર ઓફ મેરિટથી સન્માનિત ઓલિમ્પિયન પ્રદીપ કુમાર બેનર્જીનું ૮૩ વર્ષની જૈફ વયે અવસાન થયું છે. ૧૯૬૨ની એશિયન ગેમ્સમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનારી ટીમમાં પણ પ્રદીપ કુમાર સામેલ હતા. તેઓએ ભારતીય ફૂટબોલમાં ૫૧ વર્ષ સેવા આપી હતી. ફૂટબોલર તરીકેની કારકિર્દી પૂર્ણ કર્યા બાદ તેમણે કોચ તરીકેની જવાબદારી પણ સંભાળી હતી.
પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી ન્યૂમોનિયા, સેપ્સિસ, પાર્કિન્સન અને હૃદયરોગની સામે લડી રહ્યા હતા. તેઓ સાતમી માર્ચથી કોલકતાની હોસ્પિટલમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા અને તેમણે ૨૦ માર્ચે બપોરે અંતિમ શ્વાસ લીધા હતા.
પી. કે. બેનર્જીના નામે ઓળખાતા પ્રદીપ કુમાર બેનર્જી રાજ્યસભાના સભ્ય હતા. તેઓ તેમની પાછળ બે પુત્રીઓ પૌલા અને પૂર્ણા તેમજ પુત્ર પ્રસુનને વિલાપ કરતાં છોડી ગયા છે. બેનર્જી બે વખત ઓલિમ્પિકમાં ભાગ લેનારી ભારતીય ટીમમાં સામેલ હતા, જેમાં ૧૯૫૬ના ઓલિમ્પિકમાં ભારતીય ટીમે ચોથો ક્રમ મેળવ્યો હતો. જ્યારે ૧૯૬૦ના ઓલિમ્પિકમાં ભારતે ફ્રાન્સ સામેની મેચ ૧-૧થી ડ્રો કરી હતી.
ભારતીય ફૂટબોલની ગોલ્ડન જનરેશન પ્લેયર્સમાં સ્થાન ધરાવતા બેનર્જીએ ૮૪ મેચોમાં ૬૫ ગોલ ફટકાર્યા હતા. ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ‘ફિફા’એ તેમને ૨૦મી સદીના ભારતના મહાન ફૂટબોલર તરીકેનું સન્માન આપતાં વર્ષ ૨૦૦૪માં સેન્ટેનિયલ ઓર્ડર ઓફ મેરિટ સન્માન આપ્યું હતું.