મુંબઈ: ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી)ના આવતા વર્ષે યોજાનારા સેશનની યજમાનગતિ ભારત કરશે. ૨૦૨૩મા મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આ મીટિંગ યોજાશે. ભારતે ૧૯ ફેબ્રુઆરીએ ચીનના બૈજિંગ ખાતે યોજાયેલા ૧૩૯મા આઇઓસી સેશન દરમિયાન ૨૦૨૩ની યજમાનીના અધિકાર હાંસલ કર્યા હતા. સેશનની યજમાનગતિ માટે થયેલા વોટિંગમાં ભારતે ૯૯ ટકા એટલે કે ૭૬માંથી ૭૫ વોટ મેળવ્યા હતા.
આઈઓસીના સભ્યો સામે ભારતના પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડાલિસ્ટ શૂટર અભિનવ બિન્દ્રા, આઇઓસી મેમ્બર નીતા અંબાણી, ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના (આઈઓએ)ના પ્રમુખ નરેન્દ્ર બત્રા અને રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર સહિતના ભારતીય પ્રતિનિધિ મંડળે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતને મળેલી યજમાનગતિ અંગે આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત બીજી વખત આઈઓસી સેશનની યજમાનગતિ કરશે. આ પહેલાં ૧૯૮૩માં નવી દિલ્હી ખાતે સેશન યોજાયું હતું. ભારતીય પ્રતિનિધિ ગ્રૂપનું નેતૃત્વ કરનારા આઈઓસી મેમ્બર નીતા અંબાણીએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં યુવા ઓલિમ્પિક અને ઓલિમ્પિક ગેમ્સને ભારતમાં લાવવાનું અમારું સ્વપ્ન છે.