પોંચેફસ્ટ્રમ (સાઉથ આફ્રિકા): અંડર-૧૯ મહિલા ટી૨૦ વિશ્વ કપની ફાઇનલમાં ભારતે રવિવારે ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવી દીધું હતું અને તે સાથે જ આઈસીસીએ વિમેન્સ અંડર-૧૯ ટી૨૦ વિશ્વ કપ જીતી લીધો હતો. ટીમ ઈન્ડિયાની કેપ્ટન શેફાલી વર્માએ ટોસ જીતી ઇંગ્લેન્ડની ટીમને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું અને ઈંગ્લિશ ટીમને ફક્ત ૧૭.૧ ઓવરમાં ૬૮ રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. જવાબમાં ભારતીય ટીમે ૧૪ ઓવરમાં ફક્ત ત્રણ વિકેટ ગુમાવીને વિજયનું લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું.
આ સાથે ભારત આ ટૂર્નામેન્ટ જીતનારો પ્રથમ દેશ બની ગયો છે. ઈંગ્લેન્ડ સામેની ફાઇનલમાં ભારતીય બોલર્સે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ટચૂકડા લક્ષ્યને પ્રાપ્ત કરવા મેદાને પડેલી ભારતીય ટીમે ૨૨ રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ તે પછી સૌમ્યા અને ત્રીશાએ છેડો સાચવીને ઇનિંગને આગળ ધપાવી હતી અને ટીમને વિજયની નજીક લાવી દીધી હતી. બન્ને ખેલાડીએ ૨૪-૨૪ રન કર્યા હતાં.
ભારતીય બોલર્સ છવાયેલાં રહ્યા
તિતસ સાધુએ ચાર ઓવરમાં ફક્ત છ રન આપીને બે વિકેટ ઝડપી હતી. અર્ચના દેવીએ ત્રણ ઓવરમાં ૧૭ રન આપીને બે વિકેટ લીધી હતી. જ્યારે પાર્ષી ચોપરાએ ચાર ઓવરમાં ૧૩ રન આપીને બે વિકેટ લીધી હતી. જ્યારે મન્નત, શેફાલી અને યાદવે ૧-૧ વિકેટ ઝડપી હતી.
શેફાલીએ ઇતિહાસ રચ્યો
આઇસીસી અંડર-૧૯ મહિલા ટી૨૦ વિશ્વ કપના પ્રથમ સંસ્કરણમાં ખિતાબ જીતવાની સાથે ટીમ ઈન્ડિયાની કેપ્ટન શેફાલી વર્માએ પણ ધોનીની માફક પ્રથમ ટી૨૦ વિશ્વ કપ જીતવાનો નવો ઈતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમે સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ પર આઠ વિકેટે વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ઇંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયા સામે ૯૯ રનના નાનકડા સ્કોરને ડિફેન્ડ કર્યા હતો. આ બન્ને ટીમો પહેલાં જ ફાઇનલમાં પ્રવેશીને ઈતિહાસ રચી ચૂકી હતી પણ હવે ભારતીય ટીમ ફાઇનલ જીતીને ઈતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરે પોતાનું નામ લખાવી ચૂકી છે.
ગ્લેન્ડની ટીમ ૬૮ રનમાં ઓલઆઉટ
આ અગાઉ ભારતની કેપ્ટન શેફાલી વર્માએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે એકદમ યોગ્ય રહ્યો હતો. પહેલાં બેટિંગ કરવા ઊતરેલી ઇંગ્લેન્ડની ટીમ ૧૭.૧ ઓવરમાં જ ૬૮ રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડના ખેલાડીઓ શરૂઆતથી જ સંઘર્ષ કરતાં જોવાયા હતા.
ઇંગ્લેન્ડની ટીમે તેની ઈનિંગની પ્રથમ ઓવરમાં જ લિબર્ટી હોપ(શૂન્ય)ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. તેના પછી નંબર ત્રણ પર બેટિંગ કરવા ઊતરેલી નિયામ ફિયોના હોલેન્ડે ચોથી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી હતી. તે ફક્ત ૧૦ રન બનાવીને પેવેલિયનમાં પરત ફરી હતી. તેના પછી તે જ ઓવરના છેલ્લા બોલમાં ઇંગ્લેન્ડની ટીમની કેપ્ટન ગ્રેસ વિન્સ ચાર રન બનાવીને આઉટ થઇ ગઇ હતી. તેના પછી બેંક સ્ટ ઘોષ નો શેફાલી, સેરેન સ્મેલે પણ ત્રણ રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી હતી, નંબર છ પર આવેલી ચેરિસ પાવેલીએ નવ બોલમાં બે રનની ઈનિંગ દર્શાવી હતી.
બીસીસીઆઈ દ્વારા રૂ. પાંચ કરોડનું ઇનામ
રવિવારે શેફાલી વર્માની આગેવાની હેઠળની ભારતીય અંડર-૧૯ મહિલા ક્રિકેટ ટીમે વિશ્વ કપ જીતી લઇને ઈતિહાસ રચી લીધો છે. પ્રથમ વખત રમાઇ રહેલાં વિશ્વ કપને જીતીને ઈતિહાસમાં અમર થનારી આ ટીમ પર બીસીસીઆઈ પણ પ્રસન્ન છે. બીસીસીઆઈના સચિવ જય શાહે જાહેરાત કરી હતી કે મહિલા ટીમ અને તેના સહયોગી સ્ટાફને આ ભવ્ય વિજય માટે રૂપિયા પાંચ કરોડનું ઇનામ આપવામાં આવશે.