ભારતની ટેસ્ટ ટીમમાં ત્રણ ગુજરાતીને સ્થાન

Thursday 03rd November 2016 07:58 EDT
 
 

મુંબઇ: ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમ જાહેર થઇ છે. ટેસ્ટ ટીમમાં પ્રથમ વખત હાર્દિક પંડ્યાને સ્થાન મળ્યું છે. આ સાથે જ ટેસ્ટ ટીમમાં ત્રણ ગુજરાતી ખેલાડીઓ હાર્દિક, ચેતેશ્વર પૂજારા અને રવીન્દ્ર જાડેજાએ સ્થાન મેળવ્યું છે. ઇજાગ્રસ્ત રોહિત શર્માને ટીમમાંથી પડતો મૂકાયો છે તો ફાસ્ટ બોલર ઇશાંત શર્માનું પુનરાગમન થયું છે. બીમાર ઇશાંત ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ એક પણ મેચ રમી શક્યો નહોતો. આ ઉપરાંત ગૌતમ ગંભીરનો પણ ટીમમાં સમાવેશ થયો છે.

એક પણ પ્રેક્ટિસ મેચ નહીં

જાહેર થયેલા કાર્યક્રમ અનુસાર, ઇંગ્લેન્ડની ટીમ ભારતમાં કોઇ પ્રેક્ટિસ મેચ નહી રમે. પ્રથમ ટેસ્ટ માટે ટીમ પાંચમી નવેમ્બરે રાજકોટ રવાના થતાં પહેલા ટ્રેનિંગ સેશનમાં ભાગ લેશે.

રોહિત-ધવન બહાર

પ્રથમ બે ટેસ્ટ માટેની ટીમમાં ઇજાગ્રસ્ત રોહિત શર્મા ઉપરાંત શિખર ધવન અને ભૂવનેશ્વર કુમારનો સમાવેશ કરાયો નથી. ભારતીય ટીમમાં હાર્દિક પંડ્યા તેમજ જયંત યાદવનો પ્રથમ વખત ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કરુણ નાયરનો ન્યૂઝિલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સમાવેશ કરાયો હતો. જોકે તેને એક પણ મેચ રમવાની તક મળી નહોતી.
ભારતીય ટીમઃ મુરલી વિજય, ગૌતમ ગંભીર, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, કરૂણ નાયર, રિદ્ધિમાન સહા,આર.અશ્વિન, હાર્દિક પંડ્યા, અમિત મિશ્રા, રવિન્દ્ર જાડેજા, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા, જયંત યાદવ, મોહમ્મદ શમી


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter