દુબઇઃ દેશવિદેશમાં વસતાં ભારતીય ક્રિકેટના ચાહકોએ હોળીના પાંચ દિવસ પૂર્વે રવિવારે દિવાળી જેવી ઉજવણી કરી હતી. પ્રસંગ હતો - ટીમ ઇંડિયાના ચેમ્પિયન્સ ટ્રોફી વિજયનો. ભારતે દસ મહિનાની અંદર બીજી વખત વર્લ્ડ ચેમ્પિયનનું ટાઈટલ જીત્યું છે. ગયા વર્ષે 29 જૂને ભારતે ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ટ્રોફી જીતી હતી. રોહિત શર્માએ પોતાની કેપ્ટનશિપમાં બીજી આઈસીસી ટુર્નામેન્ટ જીતીને મહેન્દ્રસિંહ ધોનીની બરાબરી કરી લીધી છે.
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે ટૂર્નામેન્ટની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટથી હરાવી ભારતીય ટીમે ત્રીજી વખત આ ટ્રોફી પોતાના નામે કરી છે. આ સાથે જ ટીમ ઇંડિયા ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ બની છે. આ પૂર્વે ભારતે 2002માં શ્રીલંકા સાથે સંયુક્ત રીતે જ્યારે 2013માં ઈંગ્લેન્ડને હરાવી બીજી વખત ચેમ્પિયન ટ્રોફી જીતી.
ટીમ ઇંડિયા સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય
ભારત સમગ્ર ટૂર્નામેન્ટમાં અજેય રહ્યું. તેણે સતત પાંચ મેચ જીતી હતી. ગ્રૂપ સ્ટેજમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ સેમિ-ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને અને ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું. ભારત આ અગાઉ જે આઇસીસી ટ્રોફીઓ જીત્યું છે તેમાં 1983 અને 2011ના વન-ડે વર્લ્ડ કપ, 2007 અને 2024ના ટી20 વર્લ્ડ કપ તથા 2002 અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે
રોહિત પ્લેયર ઓફ ધ મેચ
ફાઈનલ મેચમાં 76 રનની ઈનિંગ રમીને જીતનો પાયો નાંખનાર રોહિત શર્મા પ્લેયર ઓફ ધ મેચ બન્યો. આ પહેલા કુલદીપ અને વરુણની સ્પિન જોડીએ 20 ઓવરમાં 85 રન આપીને 4 વિકેટ મેળવી ન્યૂઝીલેન્ડને 251 રન પર અટકાવ્યું હતું. શ્રેયસ અય્યરની 48 રન અને કે.એલ. રાહુલે ટીમ ઈન્ડિયાને વિજય સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ભારત વન-ડે મેચમાં સતત 14 ટોસ હારી ચૂક્યું છે. ટીમે છેલ્લે ટોસ 2023 વર્લ્ડ કપની સેમિ-ફાઈનલમાં જીત્યો હતો. 14 મેચમાં ટોસ હાર્યા પછી પણ ટીમ ઈન્ડિયાએ તેમાંથી 9 મેચમાં જીત, 4માં હાર અને 1 ટાઈ રહી હતી.
સ્પિનર્સની જાળમાં ફસાયું ન્યૂઝીલેન્ડ
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવી ટ્રોફી પર કબજો કર્યો. દુબઈમાં રમાયેલ ફાઈનલમાં ભારતના 4 સ્પિનર્સે કુલ 38 ઓવર બોલિંગ કરી, જે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસમાં કોઈ મેચમાં સ્પિનર્સ દ્વારા ફેંકાયેલી બીજી સૌથી વધુ ઓવરનો રેકોર્ડ છે. આ ઓવર્સમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 3.88 રન પ્રતિ ઓવર આપ્યા, ઝડપી બોલર્સનો ઈકોનોમી રેટ 8.67 રન પ્રતિ ઓવર રહ્યો. અગાઉ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ગ્રૂપ મેચમાં ભારતીય સ્પિનર્સે 9 વિકેટ પોતાના નામે કરી હતી. સંપૂર્ણ ટૂર્નામેન્ટમાં ભારતીય સ્પિનર્સે કુલ 26 વિકેટ લીધી. જે કોઈ અન્ય ટીમ કરતા સૌથી વધુ રહી. ટુર્નામેન્ટમાં સૌથી વધુ 163.3 ઓવર બોલિંગ કરવા છતાં ભારતીય સ્પિનર્સની 28,38 રન પ્રતિ વિકેટની સરેરાશ સૌથી શ્રેષ્ઠ રહી. માત્ર 4.51 રન પ્રતિ ઓવરની સરેરાશરન ગતિથી ટીમ ઈન્ડિયાનાસ્પિનર્સ સૌથી ઓછા ખર્ચાળ પણ રહ્યાં.
વ્હાઇટ બોલ ફાઇનલમાં જાડેજાને 12 વર્ષે વિકેટ
રવીન્દ્ર જાડેજા છેલ્લા 12-13 વર્ષથી ભારતના પ્રમુખ ઓલરાઉન્ડર તરીકે રમી રહ્યો છે. ભારતે 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી ખિતાબ જીત્યો ત્યારે તેમાં જાડેજાની મહત્ત્વની ભૂમિકા હતી. તે ટૂર્નામેન્ટમાં જાડેજાએ સૌથી વધારે વિકેટ લીધી હતી. ફાઈનલમાં અણનમ 33 રન બનાવવાની સાથે જ તેણે 4 ઓવરમાં 24 રન આપીને બે વિકેટ લીધી હતી. જોકે, સતત ટીમ ઈન્ડિયાનો ભાગ રહેવા છતાં જાડેજાના આઈસીસીની કોઈ વ્હાઈટ બોલ ટૂર્નામેન્ટની ફાઈનલમાં 12 વર્ષ બાદ વિકેટ મળી છે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલમાં જાડેજાએ ન્યૂઝીલેન્ડના વિકેટકીપર બેટ્સમેન ટોમ લાથમને આઉટ કરીને પોતાનું ખાતું ખોલાવ્યું હતું.
વિશ્વની કોઇ પણ ટીમના મુકાબલા માટે તૈયારઃ કોહલી
વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ જણાવ્યું હતું કે મારું કામ માત્ર આઇસીસી ટ્રોફી જીતવાનું જ નહીં, પરંતુ જ્યારે હું રમતને અલવિદા કરું ત્યારે ભારતીય ક્રિકેટ વધારે સારી સ્થિતિમાં હોય તે સુનિશ્ચિત કરવાનું પણ છે. મારા મતે ભારત પાસે આગામી આઠ વર્ષ વિશ્વની કોઈ પણ ટીમનો સામનો કરી શકે તેવી ટીમ તૈયાર છે. નોંધનીય છે કે કોહલી ફાઇનલમાં એક જ રન બનાવી શક્યો હતો પરંતુ પાકિસ્તાન સામે તેની વિજયી સદી તથા ઓસ્ટ્રેલિયા સામેની સેમિ-ફાઈનલમાં અડધી સદી ઘણી મહત્ત્વપૂર્ણ હતી.
આખી ટૂર્નામેન્ટમાં સારું રમ્યા: રોહિત
કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે અમે આખી ટૂર્નામેન્ટમાં સારું રમ્યા. આપણી ઇચ્છા અનુસાર પરિણામ મેળવવું એ એક મહાન લાગણી છે. આક્રમક શૈલી મારા માટે સ્વાભાવિક નથી, પણ હું તેમ કરવા માંગતો હતો. તમે કંઇક અલગ કરી રહ્યા હોવ ત્યારે તમને ટીમ અને મેનેજમેન્ટનો સાથ મળવો જોઇએ. મેં પહેલાં રાહુલભાઇ (રાહુલ દ્રવિડ) સાથે વાત કરી હતી અને હવે ગૌતીભાઇ (ગૌતમ ગંભીર) સાથે પણ. હું વર્ષોથી અલગ શૈલીમાં રમ્યો છું અને હવે અમને આનાથી પરિણામો મળી રહ્યા છે. હું સ્પષ્ટ હતો કે હું પહેલી પાંચ-છ ઓવર કેવી રીતે રમવા માગું છું.
અસાધારણ રમત, અસાધારણ પરિણામઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને શુભકામના પાઠવી કહ્યું હતું, ‘એક અસાધારણ રમત અને એક અસાધારણ પરિણામ... આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ઘરે લાવવા માટે આપણી ક્રિકેટ ટીમ પર ગર્વ છે. તેમણે સમગ્ર ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શાનદાર પ્રદર્શન માટે આપણી ટીમને શુભકામનાઓ...’