વેલિંગ્ટનઃ ભારતીય ટીમે અહીં રમાયેલી પાંચમી અને અંતિમ વન-ડેમાં ન્યૂ ઝીલેન્ડને ૩૫ રને હરાવી પાંચ મેચની વન-ડે સિરીઝમાં ૪-૧થી ઐતિહાસિક જીત મેળવી છે. ભારતીય ટીમે ન્યૂ ઝીલેન્ડની ધરતી પર પ્રથમ વાર ૪-૧થી વન-ડે શ્રેણી વિજય થયો છે. આ પહેલાં ભારતે ૨૦૦૯માં ન્યૂ ઝીલેન્ડને તેની ધરતી પર પાંચ મેચની સિરીઝમાં ૩-૧થી જીત મેળવી હતી.
રવિવારે રમાયેલી મેચમાં અંબાતી રાયડુના ૯૦ રન તેમજ હાર્દિક પંડયા અને કેદાર જાધવના ઓલરાઉન્ડ દેખાવની મદદથી ભારતે પાંચમી મેચમાં ૩૫ રને વિજય મેળવ્યો હતો. અંબાતી રાયડુ મુશ્કેલ પરિસ્થિતિમાં ૯૦ રન બનાવવા બદલ મેન ઓફ ધ મેચ થયો હતો. જ્યારે આ સિરીઝમાં ચાર મેચમાં નવ વિકેટ ઝડપનાર શમીને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો.
ટોસ જીતીને પ્રથમ બેટિંગમાં ઊતરેલી ભારતીય ટીમની શરૂઆત ઘણી નબળી રહી હતી. ભારતીય ટીમે ઓપનર રોહિત (૨), ધવન (૬), શુભમન ગિલ (૭) અને ધોની (૧)ની વિકેટ ૧૮ રનના સ્કોરે ગુમાવી દીધી હતી. આ સમયે રાયડુ અને વિજય શંકરે ટીમને ઉગારી હતી. બંનેએ પાંચમી વિકેટ માટે ૯૮ રન જોડયા હતા.
રાયડુ ૯૦ રન અને કેદાર જાધવ ૩૪ રન બનાવી આઉટ થયા બાદ હાર્દિક પંડયાએ ૨૨ બોલમાં પાંચ છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી ૪૫ રન બનાવીને ટીમનો સ્કોર ૨૫૨ રને પહોંચાડયો હતો. ન્યૂ ઝીલેન્ડ તરફથી મેટ હેનરીએ ચાર જ્યારે બોલ્ટે ત્રણ વિકેટ ઝડપી હતી.
હાર્દિકના ત્રણ બોલમાં ત્રણ છગ્ગા
હાર્દિક પંડયાએ પાંચમી વન-ડેમાં ૨૨ બોલમાં ૪૫ રન બનાવી ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. હાર્દિકે આ વિસ્ફોટક ઇનિંગમાં પાંચ છગ્ગા ફટકાર્યા હતા. જે પૈકી તેણે ટોડ એસ્ટલને સતત ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. હાર્દિકે આ પહેલાં ૨૦૧૭માં પાકિસ્તાનના ઇમાદ વસીમ, શાદાબ ખાન, ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા અને શ્રીલંકાના પુષ્પકુમારાને સતત ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
પાંચમી વખત ૪-૧થી શ્રેણીવિજય
ભારતીય ટીમે ટેસ્ટ રમતા દેશોમાં પ્રથમ વાર એશિયાની બહાર ૪-૧થી વન-ડે સિરીઝ જીતી હતી. એશિયાની બહાર કેનેડામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સિરીઝ યોજાઈ હતી જેમાં ભારતે ૪-૧થી સિરીઝ જીતી હતી. ઓવરઓલ ભારતીય ટીમ વિદેશી ધરતી પર પાંચમી વખત ૪-૧ના અંતરથી સિરીઝ જીતી હતી. આ પહેલાં ભારતે શ્રીલંકાને ૨૦૦૯ અને ૨૦૧૨માં જ્યારે પાકિસ્તાનને તેના જ દેશમાં ૪-૧થી પરાજય આપ્યો હતો. આ ઉપરાંત ગત વર્ષે ભારતે સાઉથ આફ્રિકાને તેની જ ધરતી પર ૫-૧થી વન-ડે સિરીઝમાં પરાજય આપ્યો હતો. જ્યારે ૨૦૧૭માં ભારતે શ્રીલંકાને તેની જ ધરતી પર ૫-૦થી વન-ડે સિરીઝમાં હાર આપી હતી.