રોમઃ ચેન્નઈનો ૧૨ વર્ષ અને ૧૦ મહિનાનો આર. પ્રાગનાન્ધાએ વિશ્વનાં બીજા નંબરનાં ચેસની રમતનાં ગ્રાન્ડ માસ્ટર બનવાની સિદ્ધિ મેળવી છે. માત્ર ત્રણ મહિનાના અંતરના લીધે તે વિશ્વનો સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બનવાનો ઈતિહાસ સર્જતા રહી ગયો છે કેમ કે યુક્રેનના સર્ગે કર્જાકિન ગ્રાન્ડ માસ્ટર ૨૦૦૨માં બન્યો ત્યારે તેની વય ૧૨ વર્ષ અને સાત મહિના હતી.
ઈટાલીના ઓર્ટીસેઈમાં રમાતી ગ્રેડાઈન ઓપનમાં પ્રાગનાન્ધાએ ઈટાલીના ૧૮ વર્ષીય ગ્રાન્ડ માસ્ટર લુકામોરોનીને આઠમા રાઉન્ડમાં પરાજય આપ્યો તે સાથે તેણે ગ્રાન્ડ માસ્ટર બનવાના ૨૫૦૦થી ૨૭૦૦ વચ્ચેના ઈલો રેટિંગ પોઈન્ટ મેળવી લીધા હતા. તે પછી બીજા દિવસે પોતાની સિદ્ધિમાં વધુ એક યશકલગી ઉમેરતા તેણે ડચ ગ્રાન્ડ માસ્ટર રોએલેન્ડને હરાવ્યો હતો. તે સ્પર્ધામાં બીજા ક્રમે રહ્યો હતો. ગ્રાન્ડ માસ્ટર બનવા માટે જરૂરી રેટિંગ તેમજ ત્રણ નોર્મની ટુર્નામેન્ટ જીતવી પડતી હોય છે. પ્રાગનાન્ધાએ માત્ર સાડા સાત વર્ષથી ચેસ રમવાનું શરૂ કર્યું હતું. તેના કોચ આર. બી. રમેશ છે. ૨૭૦૦થી વધુ પોઈન્ટ મેળવનાર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ શકે છે.