નવી દિલ્હીઃ ભારતની ચાર બાય ૪૦૦ મીટર મિક્સ રિલે ટીમે ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં જીતેલો સિલ્વર મેડલ હવે ગોલ્ડમાં બદલ્યો છે. બહેરીનની વિજેતા ટીમની સભ્ય ડોપિંગમાં કસૂરવાર ઠર્યા બાદ પ્રતિબંધિત જાહેર થતાં સમગ્ર ટીમ ડિસ્ક્વોલિફાય કરાઇ છે. એશિયન ગેમ્સમાં બહેરીન ટીમે ફાઇનલમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું હતું. જોકે તેની એક સભ્ય કેમી એડેકોયા એથ્લેટિક્સ ઇન્ટિગ્રિટી યુનિટ (એઆઇયુ)ના ડોપ ટેસ્ટમાં નિષ્ફળતા બાદ ચાર વર્ષ માટે પ્રતિબંધિત કરાઇ છે.
ઉપરાંત એઆઇયુએ કેમીનું પરિણામ રદ કરતાં ભારતની અનુ રાઘવનને વિમેન્સ ૪૦૦ મીટર હર્ડલ રેસમાં ચોથા સ્થાનેથી અપગ્રેડ કરીને ત્રીજા ક્રમે મૂકાઇ છે, જેના કારણે તેને બ્રોન્ઝ મળ્યો હતો. એમ. અનસ, એમ. આર. પૂર્વમ્મા, હિમા દાસ અને અરોકિયા રાજીવની ભારતીય ટીમે ૩:૧૫:૭૧ કલાકનો સમય હાંસલ કર્યો હતો અને ભારતીય ટીમ બહેરીન (૩:૧૧:૮૯ કલાક) કરતાં પાછળ હતી. જાકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સની આ અંતિમ રેસમાં અનુ રાઘવન ૫૬.૯૨ સેકન્ડના સમય સાથે ચોથા સ્થાને રહી હતી.