ભારતનો શ્રીલંકા સામે વન-ડે ઇતિહાસનો સૌથી મોટો વિજય

Tuesday 17th January 2023 09:13 EST
 
 

તિરુવનંતપુરમ્ઃ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ વન-ડેમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકન ટીમને કચડી નાખી હતી. ભારતે આ મેચ 317 રનની વિક્રમી સરસાઇથી જીતી હતી. સાથે સાથે સિરીઝ પણ 3-0થી ક્લીન સ્વીપ કરી હતી.
રવિવારની મેચ અવિસ્મરણીય બની ગઇ છે કેમ કે ભારતે આ વિજય સાથે વન-ડે ઈતિહાસનો સૌથી મોટો વિજય પ્રાપ્ત કરી લીધો છે. આ અગાઉ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના નામે હતો. કિવી ટીમે 2008માં આયર્લેન્ડને 2902ને હરાવ્યું હતું. ત્રીજા ક્રમે ઓસ્ટ્રેલિયાએ અફઘાન ટીમને 275 રને હરાવી હતી અને ચોથા ક્રમે દક્ષિણ આફ્રિકાએ ઝિમ્બાબ્વેને 272 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાનો પોતાનો સૌથી મોટો વિજય 257 રનનો હતો જે તેણે 2007માં બરમૂડા સામે નોંધાવ્યો હતો.
રવિવારે 391 રનના જંગી લક્ષ્ય સાથે મેદાને પડેલી શ્રીલંકન ટીમનો કોઇ ખેલાડી લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને શ્રીલંકાની ટીમ 22 ઓવરમાં 73 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ સિરાજે ચાર વિકેટ ઝડપી હતી જ્યારે મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. જંગી સ્કોરના દબાણ હેઠળ શ્રીલંકાના ફક્ત ત્રણ ખેલાડી બે આંકડાનો સ્કોર નોંધાવી શક્યા હતા.

કોહલીએ 46મી વન-ડે સદી ફટકારી
વન-ડે કેરિયરની વાત કરીએ તો કોહલીની આ 46મી સદી હતી. હવે તે હાઇએસ્ટ સદીવીર સચિન કરતા ફક્ત ત્રણ સદી પાછળ છે. જોકે વિરાટે કોઇ પણ એક દેશ સામે સૌથી વધુ સદી નોંધાવવાનો સચિનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. કોહલીએ રવિવારે શ્રીલંકા સામે 10મી સદી પૂરી કરી હતી. આ રેકોર્ડ અગાઉ સચિનના નામે હતો જેણે ઓસ્ટ્રેલિયા સામે 9 સદી કરી હતી. રવિવારે કોહલીએ વધુ એક માઇલસ્ટોન પોતાના નામે કર્યો છે. તે હવે વન-ડેમાં સર્વાધિક રન બનાવનારા વિશ્વના ટોચના પાંચ ખેલાડીમાં સ્થાન પામ્યો છે. તેણે હવે શ્રીલંકાના મહેલા જયવર્દનેને પાછળ રાખી દીધો છે. મહેલાએ 12,650 રન બનાવ્યા હતાં. હવે કોહલીએ 12,700થી વધુ રન બનાવી લીધા છે.

ભારતીય બેટ્સમેનોની આક્રમક બેટિંગ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે એકદમ યોગ્ય સાબિત થયો હતો. પ્રથમ વિકેટ માટે 95 રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે રોહિત શર્મા અર્ધ સદી નોંધાવવામાં નિષ્ફળ રહ્યો હતો અને 42 રને આઉટ થઇ ગયો હતો. તે પછી ગીલ અને કોહલીએ શ્રીલંકન બોલર્સને ચોમેર ફટકાર્યા હતાં. રવિવારે આ બન્ને બેટ્સમેનોએ સદી ફટકારી હતી. ગીલ 117 રન બનાવીને રજિથાની બોલિંગમાં ક્લીનબોલ્ડ થયો હતો. પરંતુ વિરાટ કોહલીએ આક્રમક રમત જાળવી રાખી હતી અને ઈનિંગના અંતે 166 રન સાથે અણનમ રહ્યો હતો. કોહલીએ 110 બોલમાં 166 રન કર્યા હતાં જેમાં 13 ફોર અને આઠ સિક્સર ફટકારી હતી. શ્રીલંકા તરફથી રજિતા અને કુમારાએ 2-2 વિકેટ ઝડપી હતી. ટીમ ઇન્ડિયાએ પ્રથમ વન-ડે 67 રનથી અને બીજી વન-ડે ચાર વિકેટથી જીતી લીધી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter