કોલકાતાઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની ગયા શનિવારે યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં સાઉથ આફ્રિકાના પ્રવાસ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. બંને દેશ વચ્ચે રમાનારી ટેસ્ટ શ્રેણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડના સેક્રેટરી જય શાહે જણાવ્યું હતું કે, બંને ટીમો વચ્ચે રમાનારી ચાર ટી-૨૦ મેચની શ્રેણીને હાલપૂરતી મોકૂફ રાખવામાં આવી છે, જેને આગામી વર્ષે નવેસરથી પ્રોગ્રામ તૈયાર કરીને રમાડાશે. ભારત અને સાઉથ આફ્રિકા હવે માત્ર ટેસ્ટ અને વન-ડે શ્રેણી જ રમશે. અગાઉના કાર્યક્રમ મુજબ પ્રથમ ટેસ્ટ ૧૭મી ડિસેમ્બરે રમાવાની હતી પરંતુ હવે તે ૨૬મી ડિસેમ્બરથી રમાશે.
ઓમિક્રોનના નવા વેરિએન્ટ વાઇરસના કારણે ઘણા દેશોએ સાઉથ આફ્રિકાથી આવતી ફ્લાઇટ્સ ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. નવા વાઇરસ વિશ્વના ૩૦ દેશમાં પહોંચી ચૂક્યો છે. અગાઉ ભારતીય ટીમે નવમી ડિસેમ્બરે જોહાનિસબર્ગ પહોંચવાનું હતું પરંતુ હવે કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. પ્રવાસી ટીમ માટે ઉચ્ચ સ્તરીય બાયો-બબલ સિસ્ટમ તૈયાર કરવાની પણ આફ્રિકન બોર્ડે ખાતરી આપી છે.