મેલબોર્નઃ બોર્ડર ગાવસ્કર સીરિઝની પ્રારંભિક બે ટેસ્ટ માત્ર અઢી - અઢી દિવસમાં ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ આકરી ટીકાઓનો સામનો કરી રહી છે. ભલે કેપ્ટન પેટ કમિન્સે હારની જવાબદારી સ્વીકારી છે પરંતુ જે ઓસ્ટ્રેલિયન મીડિયા અગાઉ ભારત પર બોલ ટેમ્પરિંગ, ઈચ્છા અનુસારની પિચ તૈયાર કરવાના કે સ્થાનિક પરિસ્થિતિનો દુરુપયોગ કરવા જેવા આરોપ લગાવતું હતું તે હવે પોતાની ટીમની જ ટીકા કરી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે ટીમે ભારત સામેની ટેસ્ટ સીરિઝની તૈયારી કરવાની હતી ત્યારે તેના ખેલાડી ડોમેસ્ટિક ટી-20 લીગ બિગબેશમાં રમતા હતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત પ્રવાસ અગાઉ જે વિશેષ કેમ્પનું આયોજન કર્યું હતું તેમાં હાલની ટીમના ટોપ-6 બેટરમાંથી માત્ર પીટર હેન્ડ્સકોમ્બ જ હતો. મહેમાન ટીમ પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં 91 રનમાં તથા બીજી ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં 113 રને સમેટાઈ હતી. ઓસ્ટ્રેલિયન બેટર ભારતીય સ્પિનર્સ સામે લાચાર જોવા મળ્યા હતા.
તે પછી કાંગારુ ટીમના ટીકાકારોમાં નિષ્ણાતો ઉપરાંત પૂર્વ ખેલાડીઓ સામેલ થયા. જેમાં પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્ક, મેથ્યૂ હેડન અને એલન બોર્ડર જેવા નામ પણ છે. તેમણે ટીમની ટેક્નિક અને વિચાર પર સવાલ ઉઠાવ્યા. આ તમામ ટીમથી નિરાશ અને નારાજ છે. તેમણે પોતાની ટીમ વિશે કહ્યું કે- તેમને ટીમની રણનીતિ જ નથી સમજાતી. સંપૂર્ણ ટીમ ભયભીત જોવા મળે છે. ટીકા કરનાર તમામ બેટર ભારત પ્રવાસે ઓસ્ટ્રેલિયન ટીમ માટે મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ રહી ચૂક્યા છે.
40માંથી 31 વિકેટ અશ્વિન-જાડેજાની
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના ધબડકાનું સૌથી મોટું કારણ અશ્વિન અને જાડેજાની શાનદાર બોલિંગ છે. સ્થિતિ એ છે કે, પ્રારંભિક બે ટેસ્ટની 40 વિકેટમાંથી ઓસ્ટ્રેલિયાએ અશ્વિન-જાડેજા સામે 31 વિકેટ ગુમાવી છે. દિલ્હી ટેસ્ટની બીજી ઈનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા મજબૂત સ્કોર તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે 6 જેટલા બેટર ટેસ્ટ ક્રિકેટમાં ટેક્નિકની દૃષ્ટિએ નબળા ગણાંતા સ્વીપ શોટ ૫૨ વિકેટ ગુમાવી અને ટીમ 113 રને ઓલઆઉટ થઈ હતી.