નવી દિલ્હીઃ ક્રિકેટર્સ માટે ગ્રેડ સિસ્ટમ લાગુ કરનાર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની જેમ હવે ભારતીય કુસ્તી ફેડરેશને પણ કુસ્તીબાજો માટે કોન્ટ્રાક્ટ ગ્રેડ સિસ્ટમ જાહેર કરી છે. અલબત્ત, ક્રિકેટર્સની તુલનામાં કુસ્તીબાજોને મળનારી રકમ ઘણી ઓછી છે, પરંતુ દેશના કુસ્તીબાજો માટે ફેડરેશનનું આ પગલું ખૂબ જ આવકારદાયક છે. હવે તેઓ અન્ય કોઈ આર્થિક પ્રવૃત્તિના બદલે વર્ષ દરમિયાન કુસ્તીમાં જ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
ફેડરેશને પુરુષ અને મહિલા એમ બંનેને તેમના કુસ્તી રીંગ પરના દેખાવના આધારે મૂલવ્યા છે. સ્વાભાવિક છે કે કોમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સ જેવી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને પૂજા ચંદાને ટોપ ગ્રેડ એવા ‘એ’-ગ્રૂપમાં રખાયા છે. ‘એ’-ગ્રૂપના કુસ્તીબાજોને વર્ષે રૂ. ૩૦-૩૦ લાખ મળશે. તો બીજી તરફ, આશ્ચર્યની વાત એ છે કે ભારતીય કુસ્તીને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના અપાવનાર સુશિલ કુમાર અને સાક્ષી મલિકને તેમના છેલ્લા અરસાના કંગાળ ફોર્મને નજરમાં રાખી ‘એ’ ગ્રેડમાં સ્થાન અપાયું નથી.
સુશિલ કુમાર બે વખત ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ છે. જ્યારે સાક્ષી મલિક છેલ્લા રિયો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતી હતી. બન્નેનો ગ્રૂપ ‘બી’માં સમાવેશ થયો છે. ગ્રૂપ ‘બી’ના કુસ્તીબાજોને વર્ષના રૂ. ૨૦ લાખ મળશે. ભારતીય ક્રિકેટ બોર્ડ પછી કુસ્તી ફેડરેશન પ્રથમ એવું ફેડરેશન બન્યું છે જેણે તેના ખેલાડીઓને કરારબદ્ધ કર્યા હોય.
આ કરારબદ્ધ કુસ્તીબાજોને દર ત્રણ મહિને રકમ ચૂકવવામાં આવશે. ‘સી’ કેટેગરીમાં ઉભરતા કુસ્તીબાજોને રૂ. ૧૦ લાખ સાથે કરારબદ્ધ કરાયા છે. જેમાં સંદીપ તોમર, સાજન ભાનવાલા, વિનોદ ઓમપ્રકાશ, રીતુ ફોગટ, સુમિત મલિક અને દીપક પૂનિયા છે. જ્યારે ગ્રૂપ ‘ડી’માં રૂ. પાંચ લાખ, ‘ઈ’ માં રૂ. ત્રણ લાખ અપાશે.