મુંબઇઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની રવિવારે મુંબઈમાં મળેલી વાર્ષિક સાધારણ સભામાં અધિકારીઓના કાર્યકાળ અંગેના નિયમમાં ફેરફાર કરાયો હતો. જેના પગલે ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર અને ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહનું કદ વધી ગયું છે. તેઓ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની ચીફ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં ભારતીય બોર્ડના પ્રતિનિધિ તરીકે જશે. અત્યાર સુધી ક્રિકેટ બોર્ડના સીઈઓ રાહુલ જોહરી બોર્ડના પ્રતિનિધિ તરીકે આઈસીસી બેઠકમાં ભાગ લેવા જતા હતા. અલબત્ત, આઈસીસી બોર્ડની બેઠકમાં કોને મોકલવામાં આવશે તે અંગે નિર્ણય હજુ લેવાયો નથી.
બીજી તરફ, ભૂતપૂર્વ કેપ્ટન અને હાલના બોર્ડ અધ્યક્ષ સૌરવ ગાંગુલીનો કાર્યકાળ ૨૦૨૪ સુધી વધી શકે છે. આ અંગે બોર્ડની બેઠકમાં નિર્ણય લેવાયો છે, પરંતુ ગાંગુલીના મામલે અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટ કરશે. ક્રિકેટ બોર્ડના અધિકારીઓએ બેઠકમાં કાર્યકાળના નિયમમાં ફેરફાર કરીને ગાંગુલી માટે માર્ગ તો મોકળો કર્યો છે પરંતુ તે અંગે અંતિમ નિર્ણય સુપ્રીમ કોર્ટ કરશે. જો સુપ્રીમ કોર્ટ આ ફેરફારને મંજૂરી નહીં આપે તો ગાંગુલીને જુલાઈ ૨૦૨૦માં બીસીસીઆઈ અધ્યક્ષપદ છોડવું પડશે. ઉલ્લેખનીય છે કે ગાંગુલી આ હોદ્દા પહેલા પાંચ વર્ષથી વધારે સમય સુધી બંગાળ ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા હતા.