લંડનઃ ક્રિકેટની રમત થતી થકી આવકની વહેંચણીને લઈ છેલ્લા ત્રણ મહિનાથી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વચ્ચે ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે. આઈસીસી અને બીસીસીઆઈ વચ્ચે થયેલી સહમતી બાદ નવા રેવન્યૂ મોડલ મુજબ ૪૦ કરોડ ૫૦ લાખ ડોલર બીસીસીઆઈને મળશે. લંડનમાં યોજાઈ રહેલી આઈસીસીની વાર્ષિક બેઠકમાં આ અંગેની સહમતી સધાઈ હતી.
આઈસીસી શરૂઆતમાં બીસીસીઆઈને ૨૯ કરોડ ૩૦ લાખ ડોલર આપવા તૈયાર હતું, પરંતુ બીસીસીઆઈ ૫૭ કરોડ ડોલર માગી રહ્યું હતં. જે અગાઉના રેવન્યૂ મોડલમાં હતું. આ પછી આઈસીસી અધ્યક્ષ શશાંક મનોહરે વધુ ૧૦ લાખ ડોલર આપવાની ઓફર કરી હતી પરંતુ બીસીસીઆઈએ તેને સ્વીકારી નહોતી. દરમિયાન પોતાનો વિરોધ દર્શાવવા ચેમ્પિયન્સ ટ્રોફી માટે સમયસર ટીમ જાહેર કરી નહોતી. છેવટે બીસીસીઆઈએ પણ નમતું રાખી ૪૦ કરોડ ૫૦ લાખ ડોલરની ઓફરને સ્વીકારી લીધી છે.
આ રીતે ભારતને ઇંગ્લેન્ડ કરતાં ૨૬ કરોડ ૬૦ લાખ ડોલર વધુ મળશે. ઇંગ્લેન્ડને ૧૩ કરોડ ૯૦ લાખ ડોલર મળશે. ભારત પછી ઇંગ્લેન્ડને સૌથી વધુ ધનરાશિ મળશે. ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને બાંગ્લાદેશને પ્રત્યેકને ૧૨ કરોડ ૮૦ લાખ ડોલર જ્યારે ઝિમ્બાબ્વેને ૯ કરોડ ૪૦ લાખ ડોલર મળશે.