લંડનઃ આમ તો ભારતીય ટીમ ૨૦૨૧ના પ્રારંભમાં એટલે કે જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડની સામે રમવાની છે, પરંતુ તેનો કાર્યક્રમ હજી જાહેર કરાયો નથી. એવું પણ કહેવાય છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એક ડે-નાઇટ ટેસ્ટ અમદાવાદના મોટેરામાં બંધાયેલા જાયન્ટ સ્ટેડિયમમાં રમાનારી છે. જોકે હજી સુધી આ પ્રવાસની તારીખ જાહેર થઇ નથી. જ્યારે ઈંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે એક વર્ષ અગાઉનો કાર્યક્રમ અત્યારથી જાહેર કરી દીધો છે.
આમેય ઇંગ્લેન્ડમાં વર્ષોથી આ રીતે લગભગ એક વર્ષ અગાઉથી તમામ ટેસ્ટ સિરિઝના કાર્યક્રમ જાહેર થતા જોવા મળ્યા છે. આ જાહેરાત અનુસાર, આગામી વર્ષે એટલે કે ૨૦૨૧ના ઓગસ્ટ મહિનામાં ભારતીય ટીમ ઇગ્લેન્ડના પ્રવાસે જશે અને તે પાંચ ટેસ્ટની સિરિઝ રમશે.
ભારતીય ક્રિકેટ ટીમ અને ભારતના ફેન્સ માટે આ મોટા સમાચાર છે કેમ કે છેલ્લા કેટલાય સમયથી ભારતીય ટીમ કોઇ સિરીઝ રમી નથી. હવે ડિસેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે તે સિરિઝ રમશે. આ ઉપરાંત ઇંગ્લેન્ડનો પ્રવાસ મહત્વનો છે. ૨૦૧૪ અને ૨૦૧૮માં ભારતીય ઇંગ્લેન્ડનો પ્રવાસ ખેડ્યો હતો અને બંને વખતે તેનો અનુક્રમે ૩-૧ અને ૪-૧થી પરાજય થયો હતો. આમ ૨૦૦૭ બાદ ભારતીય ટીમ ઇગ્લેન્ડમાં સિરીઝ જીતી નથી, પરંતુ વિરાટ કોહલીની ટીમ જે ફોર્મ ધરાવે છે તે જોતાં આ વખતે જેની પાસેથી સિરીઝ જીતવાની અપેક્ષા રખાય છે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ આ મુજબ રહેશેઃ
• પ્રથમ ટેસ્ટ ૪થી ૮ ઓગસ્ટ (નોટ્ટિગહામ)
• બીજી ટેસ્ટ ૧૨થી ૧૬ ઓગસ્ટ (લોર્ડ્ઝ)
• ત્રીજી ટેસ્ટ ૨૫થી ૨૯ ઓગસ્ટ (લીડ્ઝ)
• ચોથી ટેસ્ટ ૨થી ૬ સપ્ટેમ્બર (ઓવલ)
• પાંચમી ટેસ્ટ ૧૦થી ૧૪ સપ્ટેમ્બર (માન્ચેસ્ટર).