ગ્વાંગઝુઃ સાઉથ કોરિયાના ગ્વાંગઝુમાં યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતીય ટીમે ભગો વાળ્યો છે. બ્રોન્ઝ મેડલ માટે ભારતીય ટીમનો મુકાબલો ઇટલી સામે હતો, પરંતુ ભારતીય ટીમના ખેલાડીઓ અને કોચ નિયત સમયે મેદાન પર જ ન પહોંચતા ઇટલીને બ્રોન્ઝ મેડલ આપી દેવાયો હતો.
બાદમાં જાહેર થયું હતું કે ભારતીય તીરંદાજી ટીમના ખેલાડીઓ અને કોચની બેદરકારીને કારણે ભારતને મેચ રમ્યા વગર જ મેડલ ગુમાવવાનો વારો આવ્યો છે. મેચના નિયત સમયે ભારતીય ટીમના ખેલાડી ગુરવિંદર સિંહ, કંવલપ્રીત સિંહ અને અમન તેમ જ કોચ આમ-તેમ ફરતા હતા જ્યારે ઇટલીના તીરંદાજો ભારતીય ખેલાડીઓની રાહ જોઇ રહ્યા રહ્યા હતા.
સ્થાનિક સમય મુજબ બુધવારે સવારે ૧૦ વાગ્યે પુરુષ તીરંદાજોનો બ્રોન્ઝ મેડલ માટે મુકાબલો હતો. મોટા ભાગે દરેક ટીમો મુકાબલાના સમય કરતાં એક અથવા દોઢ કલાક પહેલાં મેદાન પર પહોંચી જાય છે, પરંતુ ભારતીય ટીમનો અતોપતો જ નહોતો.
આયોજકો દ્વારા ભારતીય ટીમને એક નહીં, પરંતુ અનેક વખત એનાઉન્સ કરીને બોલાવાઈ હતી. તેમ છતાં ભારતીય ટીમ મેદાનમાં ન પહોંચતાં આયોજકો દ્વારા આખરે ઇટલીને બ્રોન્ઝ મેડલ વિજેતા જાહેર કરાયું હતું.
આ મુકાબલો છોડનાર કંવલપ્રીત સિંહ તો આ મહિને ડેન્માર્કમાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમનો સભ્ય પણ છે. સૂત્રો મુજબ ભારતીય ખેલાડીઓ અને કોચ અહીંના ફરવાલાયક સ્થળો જોવા માટે જતા રહ્યા હતા.
ધનુષ તૂટી ગયું હતું: કોચ
કોચ જીવનજ્યોતે કહ્યું કે, ગુરવિંદરનું ધનુષ તૂટી ગયું હતું અને ટીમના અન્ય તીરંદાજો વધારાનું ધનુષ લાવ્યા નહોતા. આથી અમે એક યુવકને દોડાવી ટીમ હોટેલમાંથી યુવતીઓનું ધનુષ લેવા મોકલ્યો હતો. અમે રિપોર્ટિંગ સમયના બે મિનિટ બાદ મેદાન પર પહોંચી ગયા હતા, પરંતુ અધિકારીઓએ અમારા અનુરોધને સ્વીકાર્યા વિના અમને ગેમમાંથી બાકાત કરી દઈ ઇટલીને મેડલ આપી દીધો હતો.