ચેન્નઇઃ આઇપીએલ સિઝન-૧૨ના સૌપ્રથમ મુકાબલા અગાઉ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઇએ) પેરા મિલિટરી ફોર્સ સીઆરપીએફ અને ભારતીય સૈન્યને રૂ. ૨૦ કરોડનું આર્થિક યોગદાન આપીને સ્તુત્ય પગલું ભર્યું છે.
પુલવામા આતંકી હુમલામાં ૪૦ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આ પછી ક્રિકેટ બોર્ડે જાહેર કર્યું હતું કે આ વખતે આઈપીએલનો રંગારંગ ઉદ્ઘાટન સમારંભ નહીં યોજાય અને આ માટે ખર્ચાનારી રકમ શહીદોના પરિવારોની મદદ માટે સુરક્ષા દળોને એનાયત કરશે.
૨૩ માર્ચે આઈપીએલના પ્રારંભ પૂર્વે બીસીસીઆઈએ
રૂ. ૧૧ કરોડ ભારતીય સૈન્યને, રૂ. ૭ કરોડ સીઆરપીએફને અને એક - એક કરોડ રૂપિયા નેવી તથા એરફોર્સને એનાયત કર્યાં હતા. આ ઉપરાંત ચેન્નઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીએ ૨ કરોડ રૂપિયા સીઆરપીએફને ડોનેટ કર્યા હતા. ટીમ મેનેજમેન્ટ વતી કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ
આ ચેક સીઆરપીએફ વડાને સોંપ્યો હતો.