દુબઇઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા રવિવારે જાહેર કરાયેલા વન-ડે રેન્કિંગમાં ભારતીય બોલરોએ મોટી છલાંગ લગાવી છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહને સૌથી મોટો ફાયદો થયો છે અને તે ૨૯ સ્થાનના કુદકા સાથે ૫૭મા સ્થાને પહોંચ્યો છે. ન્યૂઝિલેન્ડ સામેની વન-ડે સિરિઝમાં ૧૫ વિકેટ ઝડપનાર અમિત મિશ્રાએ પણ ૨૫ સ્થાનનો ફાયદો થયો છે અને તે ટોપ-૨૦માં પહોંચ્યો છે. જ્યારે ગુજરાતના અક્ષર પટેલે પાંચ સ્થાનના ફાયદા સાથે પ્રથમ વખત ટોપ-૧૦માં સ્થાન મેળવ્યું છે.
અક્ષર પટેલે ન્યૂઝિલેન્ડ સામેની સિરીઝમાં ચાર વિકેટ જ ઝડપી હતી, પરંતુ તેણે કરકસરયુક્ત બોલિંગ નાખી હોવાથી તેને પાંચ સ્થાનનો ફાયદો થયો છે અને તે નવમા ક્રમે પહોંચ્યો છે. આ ઉપરાંત ઉમેશ યાદવે પણ છ વિકેટ ઝડપી હતી જેને કારણે તે સાત સ્થાનના ફાયદા સાથે ૩૫મા ક્રમે પહોંચી ગયો છે.
ન્યૂઝિલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટે નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે સુનિલ નારાયણ બીજા અને ઇમરાન તાહિર ત્રીજા સ્થાને યથાવત્ છે. ટીમ સાઉથીએ ભારત સામે સાત વિકેટ ઝડપી હતી તે ૩૧મા સ્થાને છે.
બેટિંગમાં ન્યૂઝિલેન્ડના ટોમ લાથમે ભારત સામે ૨૪૪ રન બનાવ્યા હતા જેના કારણે તે ૩૨ સ્થાનના ફાયદા સાથે કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવતાં ૩૯મા સ્થાને પહોંચી ગયો છે. માર્ટિન ગપ્તિલ બે સ્થાનના નુકસાન સાથે આઠમા ક્રમે જ્યારે રોહિત શર્મા પણ બે સ્થાનના નુકસાન સાથે નવમા ક્રમે છે. આ બંને પાંચ મેચની સિરીઝ પૈકી માત્ર એક વખત જ અર્ધી સદી નોંધાવી શક્યા હતા.
વન-ડેમાં સાઉથ આફ્રિકાના એબી ડી વિલિયર્સે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે વિરાટ કોહલી બીજા ક્રમે યથાવત્ છે. ભારતના અંબાતી રાયડુ અને ન્યૂઝિલેન્ડના કોરી એન્ડરસનને ૬-૬ સ્થાનનું નુકસાન થયું છે. બંને અનુક્રમે ૫૫મા અને ૫૭મા સ્થાને છે. અજિંક્ય રહાણેને પણ બે સ્થાનનું નુકસાન થતાં ૩૦મા ક્મે ધકેલાયો છે.
વન-ડે ઓલરાઉન્ડરના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. બાંગ્લાદેશનો શાકિબ અલ હસન પ્રથણ સ્થાને, શ્રીલંકાનો એન્જેલો મેથ્યુઝ બીજા સ્થાને અને અફઘાનિસ્તાનનો મોહંમદ નબી ત્રીજા સ્થાને છે.