ભારતીય શટલર શ્રીકાંતે સિલ્વર જીતી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો

Wednesday 22nd December 2021 05:44 EST
 
 

હુએલવાઃ ભારતીય શટલર કિદામ્બી શ્રીકાંતે બીડબ્લ્યુએફ (બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન) વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે.
આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય પુરુષ શટલર બન્યો છે. રવિવારે રમાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સિંગાપોરના લોહ કીન યેવએ ભારતના કિદામ્બી શ્રીકાંતને ૨૧-૧૫, ૨૨-૨૦થી હરાવ્યો હતો અને તેણે પોતાના દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
પ્રથમ ગેમ લોહે જીતી લીધા બાદ બીજી ગેમમાં બન્ને ખેલાડી વચ્ચે જોરદાર રસાકસી જોવા મળી હતી. એક સમયે સ્કોર ૪-૪ પર હતો. આ સમયે શ્રીકાંતે ૬-૪ કર્યા બાદ લોહે કમ બેક કરી ૯-૯થી બરાબરી પર લાવી દીધો હતો અને પછી ૧૨-૯ની લીડ લઇ લીધી હતી. આ પછી બન્ને વચ્ચે ૨૦-૨૦ પર એટલે કે ગેમ પોઇન્ટ પર જોરદાર ટક્કર જોવા મળી હતી પણ લોહ છેલ્લે આ ગેમ ૨૨-૨૦થી જીતીને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ માટે હકદાર બન્યો હતો.
કિદામ્બી શ્રીકાંત અને લોહ કીન વચ્ચેની ઐતિહાસિક મેચની શરૂઆત ભારતીય ખેલાડીના વર્ચસ્વ સાથે થઇ હતી. આક્રમક શ્રીકાંતે એક તબક્કે ૯-૩ની લીડ લઇ લીધી હતી પણ ત્યાંથી લોહે તમામ ડિપાર્ટમેન્ટમાં સર્વોપરી દેખાવ કરીને તે પછીની ફક્ત ૧૬ મિનિટમાં જ શ્રીકાંતને ૨૧-૧૫થી હરાવી દીધો હતો.
શ્રીકાંત અગાઉ લોહને હરાવી ચૂક્યો છે
કિદામ્બી શ્રીકાંત અને લોહ કીન આ અગાઉ એક વાર સામસામે આવી ચૂકેલા છે. આ મેચમાં શ્રીકાંતે બાજી મારી હતી. ૨૦૧૮ની કોમનવેલ્થ ગેમ્સમાં સેમિ-ફાઇનલમાં શ્રીકાંતનો સામનો લોહ સામે થયો હતો ત્યારે ભારતીય શટલરે ૨૧-૧૭, ૨૧-૧૪થી વિજય હાંસલ કર્યો હતો. હાલમાં શ્રીકાંતનું વર્લ્ડ રેન્કિંગ ૧૪મું છે. તેણે કેરિયરમાં ૩૯૭ મેચ રમી છે અને ૨૫૬માં વિજય હાંસલ કર્યો છે અને ૧૪૧ મેચમાં પરાજયનો સામનો કર્યો છે. ૨૦૨૧માં ભારતીય શટલરે કુલ ૩૪ મેચ રમી છે જેમાં ૧૮માં વિજય અને ૧૬મા પરાજય મેળવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter