નવી દિલ્હી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચમાં ભારતે છ વિકેટે જીત મેળવી છે. આ વિજયની સાથે જ ટીમ ઇન્ડિયાએ ચાર મેચની સીરિઝમાં 2-0થી અજેય લીડ મેળવીને સુનિશ્ચિત કર્યુ છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હવે ભારત પાસે જ રહેશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતના બે દિવસમાં સારી રમત બતાવી હતી પરંતુ ટીમ ઇન્ડિયાએ માત્ર બે સત્રમાં ઓસ્ટ્રેલિયા કરતા સારી રમતનું પ્રદર્શન કરીને મેચ પોતાના નામે કરી લીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલી ઇનિંગમાં 263 રનનો સ્કોર ખડક્યો હતો અને ભારતની સાત વિકેટ માત્ર 139 રનમાં જ ખખડાવી નાખી હતી. પરંતુ તેમ છતાં ભારતે 262 રન બનાવ્યા હતા. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસની રમતના અંતે એક વિકેટ ગુમાવીને 61 રન બનાવી લીધા હતા અને તેની સ્થિતિ સારી હતી.
જોકે બીજા દિવસે જ રવીન્દ્ર જાડેજા અને અશ્વિનની સ્પિન બોલિંગ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી લીધી હતી અને મહેમાનો 113 રનમાં જ સમેટાઇ ગયા હતા. અહીથી ભારતને જીતની તક મળી હતી અને ભારતે પોતાની બીજી ઇનિંગમાં 4 વિકેટ ગુમાવી 118 રન કરીને જીત મેળવી હતી. ટીમ ઇન્ડિયાના રવીન્દ્ર જાડેજાને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.