નવી દિલ્હીઃ ભારતીય હોકીના દિગ્ગજ અને વિશ્વભરમાં ડ્રિબ્લિંગ માટે જાણીતા મોહમ્મદ શાહિદનું બીમારી બાદ ગુડગાંવ ખાતેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નિધન થયું છે. શાહિદના પુત્ર સૈફે જણાવ્યું હતું કે ૨૦ જુલાઇએ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ૫૬ વર્ષીય શાહિદને મેદાંતા મેડિસિટીમાં ચાલુ મહિનાના પ્રારંભે કમળો અને ડેન્ગ્યૂની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની વતન વારાણસીમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.
પોતાના ડ્રિબ્લિંગ કૌશલ માટે મશહૂર શાહિદ ભારતના મહાન ખેલાડીઓમાં સામેલ હતા. તેઓ ૧૯૮૦માં મોસ્કો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનારી ભારતીય ટીમના સભ્ય હતા. તેઓ દિલ્હી એશિયન ગેમ્સ ૧૯૮૨ની સિલ્વર મેડલ વિજેતા અને ૧૯૮૬ની સિઓલ એશિયાડમાં બ્રોન્ઝ જીતનાર ટીમના સભ્ય હતા. તેમને ૧૯૮૦-૮૧માં અર્જુન એવોર્ડ અને ૧૯૮૬માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો.
મહાન ખેલાડી, આદર્શ વ્યક્તિ
મોહમ્મદ શાહિદને શ્રદ્ધાંજલિ આપતાં ભૂતપૂર્વ હોકી દિગ્ગજોએ જણાવ્યું હતું કે મેદાનમાં તેઓ જેટલા મહાન હતા તેટલા જ મેદાનની બહાર એક વ્યક્તિ તરીકે આદર્શ હતા. ભૂતપૂર્વ હોકી ખેલાડી બલબીર સિંહ સિનિયરે શાહિદને ભારતના મહાન ખેલાડી તરીકે વર્ણવ્યા હતા. મોસ્કો ઓલિમ્પિકમાં તેમની સાથે રમનાર તથા તેમના નજીકના મિત્ર એમ. કે. કૌશિકે જણાવ્યું હતું કે તેમણે છેલ્લા સમય સુધી જિંદાદિલી છોડી નહોતી. ભારતીય ક્રિકેટર કપિલ દેવે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ખેલાડીઓ શાહિદથી કેટલા ડરતા હતા તે સમગ્ર દુનિયા જાણે છે.
પાકિસ્તાની ખેલાડીઓ પણ શાહિદના ફેન
હું હંમેશાં શાહિદને કહેતો હતો કે તું મારી ટીમમાં આવી જાય તો પાકિસ્તાનને કોઇ પણ ટીમ હરાવી શકે તેમ નથી અને આ જ વાત તે મારા માટે પણ કહેતો હતો. આ વાત પાકિસ્તાનના મહાન સેન્ટર ફોરવર્ડ હસન સરદારે કહી છે. શાહિદના નિધન અંગે દુ:ખ વ્યક્ત કરીને હસને જણાવ્યું હતું કે અમે બંને મેદાનમાં દુશ્મન તથા બહાર ખાસ મિત્રો હતા. શાહિદ પાસે ડ્રિબ્લિંગની કુશળતા તથા રફતાર હતી જે ભાગ્યે એક સાથે ખેલાડીઓમાં હોય છે.