મુંબઈઃ ભારતીય હોકીના લેજન્ડરી ખેલાડી અને ઓલિમ્પિયન જો એન્ટીચનું ૧૩ જુલાઇએ રાત્રે મુંબઇમાં નિધન થયું છે. એન્ટીચ ૧૯૬૦માં રોમ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય હોકી ટીમના સભ્ય હતા. ૯૦ વર્ષના જો એન્ટીચ કેટલાક સમયથી બીમાર હતા.
એન્ટીચ તેમની પાછળ પુત્ર વિલિયમ અને પુત્રી રિટાને વિલાપ કરતાં મુકી ગયા છે. તેમના પત્નીનું ૨૦૧૧માં અવસાન થયું હતું. તેમના પુત્ર વિલિયમે કહ્યું કે, તેઓ બીમાર હતા અને આઇસીયુમાંથી બહાર જ ન આવ્યા. તેમણે દેશને વિશ્વસ્તરે ગૌરવ અપાવ્યું હોવા છતાં અંતિમ સમયમાં કોઈએ તેમની નાણાંકીય કે અન્ય રીતે મદદ કરી નહોતી.
રોમ ઓલિમ્પિકની ફાઈનલમાં ભારતનો પાકિસ્તાન સામે ૦-૧થી પરાજય થયો હતો. આ સાથે ઓલિમ્પિક હોકીમાં ભારતના ૩૨ વર્ષના પ્રભુત્વનો અંત આવ્યો હતો. એન્ટીચ ભારતીય ટીમમાં સેન્ટર હાફની પોઝિશન પર રમતાં અને રોમ ઓલિમ્પિકના બે વર્ષ બાદ જકાર્તામાં યોજાયેલી એશિયન ગેમ્સની ફાઈનલમાં પાકિસ્તાન સામે ભારત હાર્યું ત્યારે પણ તેઓ ટીમમાં સામેલ હતા.