ધરમશાલાઃ પાંચ ટેસ્ટની સીરિઝની અંતિમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી શાનદાર વિજય સાથે 4-1થી સીરિઝ કબજે કરી છે. શનિવારે પૂર્ણ થયેલી ધર્મશાલા ટેસ્ટમાં ભારતે ઈનિંગ્સ અને 64 રને જીત મેળવી હતી. 112 વર્ષમાં પ્રથમવાર ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ પછીની તમામ 4 મેચમાં વિજય સાથે 4-1થી સીરિઝ જીતી હતી. ભારતીય ટીમ અગાઉ ત્રણ વખત એક સીરિઝમાં 4 ટેસ્ટ જીતી ચૂકી છે. આ અગાઉ ભારતે 2013માં ઓસ્ટ્રેલિયાને 4-0 અને ઈંગ્લેન્ડને 4-0થી હરાવ્યું હતું.
ટીમ ઇન્ડિયા ફરી નંબર-1
ધર્મશાલામાં ઈંગ્લેન્ડને હરાવીને ટીમ ઇન્ડિયાએ આઇસીસીના ત્રણેય ફોર્મેટમાં નંબર-1નું સ્થાન મેળવ્યું છે એટલું જ નહીં, પરંતુ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન પણ કબજે કર્યું છે. ટીમ ઇન્ડિયા આમ કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે. એ જ રીતે રોહિત શર્મા પ્રથમ કેપ્ટન બન્યો છે. આ પહેલાં ડિસેમ્બર 2023માં પણ ટીમ ઇન્ડિયા ક્રિકેટ મેચના ત્રણેય ફોર્મેટમાં નંબર-1 બની હતી. જોકે વનડે શ્રેણી પછી તરત જ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી ડ્રો થતાં ભારતને ટેસ્ટમાં પ્રથમ સ્થાન ગુમાવવું પડયું હતું.
ભારતે પાંચમી ટેસ્ટમાં ઇંગ્લિશ ટીમને ગત મેચોની જેમ રન કે વિકેટથી નહીં પણ ઈનિંગ્સનાં અંતરથી માત આપી હતી. પ્રથમ ઈનિંગ્સમાં 259 રનથી પાછળ રહેનાર ઈંગ્લેન્ડ ટીમ બીજી ઈનિંગ્સમાં 195 રને ધરાશયી થઈ હતી. જેમાં જો રુટે સૌથી વધુ 84 રન કર્યા હતા. ભારત માટે 100મી ટેસ્ટ રમી રહેલા અશ્વિને બીજી ઈનિંગ્સમાં 5 વિકેટ લઇને મેચમાં કુલ 9 વિકેટ ઝડપી હતી.
પ્લેયર ઓફ ધ સીરિઝ યશસ્વી જયસ્વાલ
‘મને આ સીરિઝમાં ઘણી મજા પડી. જેવું હું રમ્યો તેનાથી ખુશ છું. જો મને લાગે કે કોઈ બોલર સામે આક્રમકતા સાથે રમી શકું છું, તો હું પીછેહટ કરતો નથી. મારો પ્રયાસ ટીમની જીતમાં યોગદાન આપવાનો રહે છે.’
સારી ટીમ સામે હાર્યાઃ બેન સ્ટોક્સ
ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે શ્રેણી પરાજય બાદ કહ્યું હતું કે એ સ્વીકારીએ છીએ કે અમે સારી ટીમ સામે હાર્યા. જોકે, આગળ ઘણું ક્રિકેટ રમવાનું છે. અહીં શીખેલી બાબતો મદદરૂપ થશે. ગત બે વર્ષની મહેનત એક જ સીરિઝથી બરબાદ નહીં થાય.
સ્ટોક્સના બે ઇનિંગમાં બે રન
ટેસ્ટ ક્રિકેટમાં પોતાના બેઝબોલ સ્ટાઈલનો બચાવ કરવાની જવાબદારી કેપ્ટન બેન સ્ટોક્સ પર સૌથી વધુ હતી, પરંતુ તે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યો. ધર્મશાલા ટેસ્ટમાં પ્રથમ ઈનિંગ્સમાં શૂન્ય પર આઉટ થયા બાદ સ્ટોક્સ બીજી ઈનિંગ્સમાં માત્ર 2 રને જ આઉટ થયો. આ ઉપરાંત જેક ક્રાઉલી (0), બેન ડકેટ (2), ઓલી પોપ (19) પણ મોટી ઈનિંગ્સ ના રમી શક્યા. જોની બેરસ્ટો (39) સારી શરૂઆત બાદ પિચ પર ના ટકી શક્યો. તેણે આ સીરિઝમાં 5 મેચમાં એકેય અડધી સદી ફટકારી નથી.
બેટિંગમાં ઝમકદાર દેખાવની વાત કરીએ તો, પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં યશસ્વીએ 712 (9 ઇનિંગ), શુભમન 452 (9 ઇનિંગ) અને ક્રાઉલી 407 (10 ઇનિંગ) રન કર્યા હતા.