વુરસ્ટરઃ કેપ્ટન મિતાલી રાજની અફલાતુન બેટિંગ અને દિપ્તી શર્મા સહિતના બોલર્સની વેધક બોલિંગની મદદથી પ્રવાસી ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમે ત્રીજી જુલાઇએ રાત્રે રમાયેલી ત્રીજી વન-ડે ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડને ચાર વિકેટે હરાવ્યું હતું. જોકે ત્રણ મેચની વર્તમાન સિરીઝ ઇંગ્લેન્ડના પક્ષે રહી હતી જેણે અગાઉની બંને મેચ જીતી લીધી હતી.
ભારતે અંતિમ મેચમાં ફોર્મ દાખવ્યું હતું અને ઇંગ્લેન્ડે નોંધાવેલા ૪૭ ઓવરમાં ૨૧૯ રનના સ્કોરને છ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
ત્રીજી વન-ડેમાં વરસાદનું વિઘ્ન નડતાં ઓવર ૫૦થી ઘટાડીને ૪૭ કરી દેવાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી. ઇંગ્લેન્ડ માટે નેટ સિવરે ૪૯ અને કેપ્ટન હિધર નાઈટે ૪૬ રન ફટકાર્યા હતા. ઓપનર વિનફિલ્મ હિલે પણ ૩૬ રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે દિપ્તી શર્માએ ત્રણ વિકેટ ઝડપી હતી. જોકે મિતાલી રાજે છ બોલર અજમાવ્યા હતા અને તમામને કમસે કમ એક વિકેટ મળી હતી.
અગાઉની મેચમાં પ્રદર્શન અને વર્તમાન ફોર્મ જોતાં ભારત માટે ૨૨૦ રનનો ટાર્ગેટ આસાન ન હતો. જોકે ઓપનર સ્મૃતિ મંધાના અને મિતાલી રાજે આ ટાર્ગેટને આસાન બનાવી દીધો હતો. મંધાનાએ ૫૭ બોલમાં આઠ બાઉન્ડ્રીની મદદથી ૪૯ રન ફટકાર્યા હતા. તો મિતાલી રાજે એક છેડો સાચવી રાખીને છેક સુધી બેટિંગ કરી હતી. છેલ્લી ઓવરમાં તેણે કેથરિન બ્રેન્ટના બોલે આકર્ષક ઓફ ડ્રાઈવ ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. મિતાલીએ ૮૬ બોલમાં આઠ બાઉન્ડ્રી સાથે ૭૫ રન ફટકાર્યા હતા.
ઇંગ્લેન્ડ ૨-૦થી શ્રેણી જીત્યું
ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ત્રણ મેચની વનડે શ્રેણીના બીજા મુકાબલામાં ભારતીય ટીમને કોઈ પણ મુશ્કેલી વિના પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. આ વિજય સાથે ઇંગ્લિશ ટીમે શ્રેણી ૨-૦ની લીડ પણ મેળવી લીધી હતી. ભારતીય ટીમ ૨૨૧ રનમાં સમેટાઈ હતી. જવાબમાં ઇંગ્લેન્ડે ૪૭.૩ ઓવરમાં પાંચ વિકેટના ભોગે ૨૨૫ બનાવીને ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
ભારતની ઇનિંગમાં સુકાની મિતાલી રાજેનું મહત્ત્વનું યોગદાન હતું. તેણે સતત બીજી અડધી સદી નોંધાવીને ૯૨ બોલમાં સાત બાઉન્ડ્રી વડે ૫૯ રન કર્યા હતા. આ ઉપરાંત યુવા ખેલાડી શેફાલી વર્માએ ૪૪ રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ તરફથી કેટ ક્રોસે ઘાતક સ્પેલ નાખીને ૩૪ રનમાં પાંચ ખેલાડીઓ આઉંટ કરી હતી.
સ્પિનર સોફી એકલેસ્ટોએ ૩૩ રનમાં પાંચ વિકેટ હાંસલ કરી હતી. શેફાલી અને સ્મૃતિ મંધાનાએ (૨૨) પ્રથમ વિકેટ માટે ૫૪ રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ ૨૧ રનના ગાળામાં ભારતે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. હરમનપ્રીત કોર ૧૯ તથા મિતાલીએ ચોથી વિકેટ માટે ૬૮ રનની પાર્ટનરશીપ કરી હતી.
પરંતુ આ ભાગીદારી તૂટતા ભારતનો ધબડકો થયો હતો.