નવી દિલ્હી: ભારતે ફાઈનલ મુકાબલામાં 14 વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને 3-0થી હરાવીને થોમસ કપ બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. થોમસ કપના 73 વર્ષના ઇતિહાસમાં ભારતીય મેન્સ ટીમ પ્રથમ વખત ચેમ્પિયન બની છે. આ ટૂર્નામેન્ટ 1949થી રમાય છે અને અત્યાર સુધી ઇન્ડોનેશિયા, ચીન, ડેનમાર્ક તથા મલેશિયા જેવી ટીમોનો દબદબો રહ્યો છે, જેને રવિવારે ભારતે ખતમ કરી નાખ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બનનાર ભારત છઠ્ઠી ટીમ છે.
લક્ષ્ય સેનના જોશ અને કિદામ્બી શ્રીકાંત તેમજ સાત્વિક-ચિરાગના અનુભવને સહારે ભારતીય મેન્સ બેડમિંટન ટીમે થોમસ કપ જીતી લઈને ઈતિહાસ રચી દીધો હતો. ભારતે આ સાથે 73 વર્ષના થોમસ કપના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ટાઈટલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. પ્રથમ વખત ફાઈનલ રમી રહેલા ભારતે 14 વખતના ચેમ્પિયન અને 21મી વખત ફાઈનલમાં પ્રવેશેલી ઈન્ડોનેશિયાની ટીમને અત્યંત પ્રભુત્વ સાથે પાંચ મેચના મુકાબલામાં 3-0થી મહાત આપી હતી. ભારતે અગાઉ ક્વાર્ટર ફાઈનલમાં મલેશિયા અને સેમી ફાઈનલમાં ડેન્માર્કને હરાવ્યા હતા. જેમાં એચ.એસ. પ્રનોય નિર્ણાયક દેખાવ કર્યો હતો.
ભારતના યુવા ખેલાડી લક્ષ્ય સેને પ્રથમ સિગલ્સની મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ડોનેશિયાના એન્ટોની સિનિસુકાને 8-21, 21-17, 22-16થી પરાજય આપીને ટીમને 1-0ની લીડ અપાવી હતી. સેમિ-ફાઈનલમાં કરેલી ભૂલોને સુધારીને લક્ષ્ય સેને વધારે પ્રભાવશાળી રમતનું પ્રદર્શન કર્યું હતું. ભારતની વિજયસફરને એસ. સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જોડીએ આગળ વધારી હતી અને બંનેએ ડબલ્સના મુકાબલામાં મોહમ્મદ એહસાન તથા કેવિન સંજયની જોડીને 18-21, 23-21, 21-19થી હરાવી હતી. આ મુકાબલા જીતવા માટે સાઈરાજ અને ચિરાગને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. ભારતે ફાઈનલમાં 2-0ની લીડ મેળવીને ઇન્ડોનેશિયાની ટીમને બેકફૂટ ઉપર ધકેલી દીધી હતી.
ભારતના અનુભવી ખેલાડી કિદામ્બી શ્રીકાંતે આઠમા ક્રમાંકિત જોનાથન ક્રિસ્ટી સામે સીધી ગેમમાં 21-15, 23-21ના સ્કોરથી વિજય હાંસલ કરીને ટીમને 3-0થી અજેય લીડ અપાવી દીધી હતી. આ મુકાબલો 48 મિનિટ સુધી રમાયો હતો. ત્યારબાદ બાકીના બંને મુકાબલા ઔપચારિક બની ગયા હતા અને ભારતે બંને મુકાબલા રમવાની જરૂર પડી નહોતી. ફાઈનલ સુધીની સફરમાં ભારતને ગ્રૂપ સ્ટેજમાં ચાઈનીઝ તાઇપેઇ સામે એકમાત્ર પરાજય મળ્યો હતો. બીજી તરફ ઇન્ડોનેશિયાએ ફાઇનલ સુધી એક પણ મેચ ગુમાવી નહોતી. ચેમ્પિયન બનેલી ભારતીય મેન્સ ટીમ ઉપર ચોમેરથી અભિનંદનનો વરસાદ થયો છે.
ભારત વિશ્વનો માત્ર છઠ્ઠો દેશ
થોમસ કપ મેન્સ બેડમિન્ટન ટીમ ચેમ્પિયનશિપ જીતનારા વિશ્વના માત્ર છઠ્ઠા દેશ તરીકે ભારતે ગૌરવ મેળવી લીધું છે. ઈ.સ. 1949થી રમાતા થોમસ કપમાં અત્યાર સુધી માત્ર છ જ દેશો ચેમ્પિયન બની શક્યા છે. સૌથી વધુ 14 વખત ઈન્ડોનેશિયાએ આ ટાઈટલ જીત્યું હતું. જ્યારે ચીન 10 વખત ચેમ્પિયન બન્યું છે.
મલેશિયાએ પાંચ વખત અને ડેનમાર્ક તેમજ જાપાનની સાથે હવે ભારતે પણ એક વખત થોમસ કપના વિજેતાઓમાં સ્થાન મેળવી લીધું છે. સાઉથ કોરિયા, અમેરિકા અને થાઈલેન્ડ ફાઈનલમાં પ્રવેશ્યા છે, પણ હજુ સુધી ટાઈટલ જીતી શક્યા નથી. નોંધપાત્ર છે કે, અત્યાર સુધીમાં 29 દેશોએ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો.
થોમસ કપમાં ભારતની ગોલ્ડન સફર
• ભારતનો જર્મની સામે ૫-૦થી વિજય - ગ્રૂપ સ્ટેજ • ભારતનો કેનેડા સામે ૫-૦થી વિજય - ગ્રૂપ સ્ટેજ • તાઈપેઈ સામે ૨-૩થી ભારતનો પરાજય - ગ્રૂપ સ્ટેજ • ભારતનો મલેશિયા સામે ૩-૨થી વિજય - ક્વાર્ટર ફાઈનલ • ભારતનો ડેનમાર્ક સામે ૩-૨થી વિજય - સેમિ ફાઈનલ
• ભારતનો ઈન્ડોનેશિયા સામે 3-0થી વિજય - ફાઈનલ