સેન્ચુરિયનઃ સાઉથ આફ્રિકાના સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાએ યજમાન ટીમને ૧૧૩ રને પરાજય આપીને ઇતિહાસ રચ્યો છે. વાત એમ છે કે સેન્ચુરિયનમાં વિજય મેળવનારો ભારત પ્રથમ એશિયન દેશ બન્યો છે. આ પૂર્વે સેન્ચુરિયન મેદાન પર કોઈ પણ એશિયન ટીમ વિજય મેળવી શકી નથી. આ મેદાન પર સાઉથ આફ્રિકાની ટીમ અગાઉ ફક્ત બે વાર પરાજિત થઈ હતી. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પછી ત્રીજી ટીમ બની છે જેણે આ મેદાન પર યજમાન ટીમને પરાસ્ત કરી હોય.
ભારતીય ટીમે ચોથી ઇનિંગમાં સાઉથ આફ્રિકાને વિજય માટે ૩૦૫ રનનું લક્ષ્ય આપ્યું હતું. જવાબમાં બુમરાહ, સામીની ધારદાર બોલિંગ અને સિરાજ તથા અશ્વિનની સપોર્ટિંગ બોલિંગ વચ્ચે યજમાન ટીમ ફક્ત ૧૯૧ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન એલ્ગર અને બાવુમાને બાદ કરતાં અન્ય કોઈ ખેલાડી ભારતી બોલર્સ સામે ટકી શક્યા નહતા. કેપ્ટન એલ્ગરે સૌથી વધારે ૭૭ રન નોંધાવ્યા હતા. તો બાવુમા ૩૫ રને અણનમ રહ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ સામી અને બુમરાહે સાઉથ આફ્રિકાની ૩-૩ વિકેટ ઝડપી હતી અને અશ્વિન અને સિરાજે ૨-૨ વિકેટ ઝડપી હતી.
સામીએ આ ટેસ્ટમાં બંને ઇનિંગ મળીને કુલ આઠ વિકેટ ઝડપી હતી. પ્રથમ ઇનિંગમાં ૧૨૩ અને બીજી ઇનિંગમાં ૨૩ રન નોંધાવનારા લોકેશ રાહુલને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
વિશેષ રેકોર્ડ ભારતના નામે
સેન્યુરિયન ટેસ્ટમાં વિજય સાથે ભારતે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. વિદેશી જમીન પર વરસાદના કારણે આખા એક દિવસની રમત બગડી હોવા છતાં ભારતીય ટીમે વિજય હાંસલ કર્યો છે. આવી સિદ્ધિ ભારતે બીજી વાર મેળવી છે. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ ૨૦૧૬માં વેસ્ટ ઇન્ડિઝના સેંટ લૂસિયામાં આવી કરામત દર્શાવી હતી. ભારત-સાઉથ આફ્રિકામાં અત્યાર સુધીમાં ફક્ત ચાર ટેસ્ટ મેચ જીતી શક્યું છે. જેમાં રાહુલ દ્રવિડની કેપ્ટન્સી હેઠળ એક વાર, ધોનીની આગેવાની હેઠળ એક વાર અને કોહલીની કેપ્ટન્સીમાં એક વાર આ જીત હાંસલ કરી શક્યા છે.
ભારતે ચાર દિગ્ગજ હરાવ્યા
૨૦૨૧માં ભલે કોહલીને પોતાના ફોર્મને પરત મેળવવામાં તકલીફ પડી રહી હોય પરંતુ એક કેપ્ટન તરીકે તેણે વિશ્વની તમામ ચાર અગ્રણી ટીમોને પરાજિત કરી બતાવી હતી. ૨૦૨૧માં ટીમ ઇન્ડિયાએ ટીમ વર્કના જોર પર ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝિલેન્ડ અને સાઉથ આફ્રિકાને પરાજિત કરી હતી. ૨૦૨૧ના કેલેન્ડર વર્ષમાં ટીમ ઈન્ડિયાએ આઠ ટેસ્ટમાં વિજય મેળવ્યો હતો, જે ૨૦૧૦ના રેકોર્ડની બરાબરી કરે છે. ટીમ ઇન્ડિયાએ સૌથી વધારે નવ ટેસ્ટ વિજય ૨૦૧૬માં મેળવ્યા હતા.
કેપ્ટન કોહલી ટીમ પર ફિદા
મેચ બાદ પુરસ્કાર સમારોહમાં જણાવ્યું હતું કે ચાર દિવસમાં ટેસ્ટનું પોઝિટિવ પરિણામ ટીમની સારી તૈયારી અંગે જાણકારી આપે છે. અમારા માટે સાઉથ આફ્રિકા હંમેશાં મુશ્કેલ સ્થળ રહ્યું છે, પણ અમે બેટિંગ-બોલિંગના મોરચે સારો દેખાવ કર્યો. કોહલીએ જીતનો યશ લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની શતકીય ભાગીદારીને આપ્યો હતો. તેણે બુમરાહ સહિત ફાસ્ટ બોલર્સની પણ ભરપૂર પ્રશંસા કરી હતી.
SENAમાં એશિયન કેપ્ટનના વિજય
સાઉથ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયામાં એશિયન ટીમના કેપ્ટન તરીકે સૌથી વધારે વિજયનો યશ કોહલીને મળે છે. તેણે સૌથી વધુ સાત વિજય મેળવ્યા છે. તે પછી ૪-૪ વિજય સાથે વાસિમ અક્રમ અને જાવેદ મિયાદાદનો ક્રમ આવે છે. વિશ્વ ટેસ્ટ ક્રિકેટમાં વિજય મોરચે કોહલીનો ક્રમ ચોથો છે. ૫૩ વિજય સાથે ગ્રીમ સ્મિથ નંબર એક પર બિરાજે છે. જ્યારે ૪૮ વિજય બીજો રિંકી પોન્ટિંગ, ૪૧ વિજય સાથે સ્ટિવ નંબર ૩ અને ૪૦ વિજય સાથે કોહલી નંબર ૪ પર છે.