મુંબઈ: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર નરી કોન્ટ્રાક્ટરને ઈ.સ. 1962માં રમાયેલી બાર્બાડોસ ટેસ્ટમાં ચાર્લી ગ્રિફિથનો બાઉન્સર માથામાં વાગતા તેમને એકથી વધુ સર્જરી કરાવવી પડી હતી અને ત્યારે તેમના માથામાં ટાઈટેનિયમની પ્લેટ મૂકાઇ હતી. આશરે ૬૦ વર્ષ સુધી આ પ્લેટ સાથે જીવ્યા બાદ હવે મુંબઈમાં સર્જરી કરીને કોન્ટ્રાક્ટરના માથામાંથી પ્લેટને દૂર કરાઇ છે. તબીબોની સલાહ બાદ તેમના માથામાંથી ટાઈટેનિયમની પ્લેટ દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો. તેમના પુત્ર હોશેદારે જણાવ્યું હતું કે, સર્જરી બાદ તેમના પિતાની હાલત સ્થિર છે. મુંબઈની હોસ્પિટલમાં તેમની સર્જરી ડો. હર્ષદ પારેખ અને ડો. અનિલ તિબ્રેવાલે કરી હતી.
1962ના ટેસ્ટની દુર્ભાગ્યપૂર્ણ ઘટના
૧૭મી માર્ચ ૧૯૬૨ના રોજ ભારત અને વિન્ડિઝ વચ્ચે બાર્બાડોસમાં ટેસ્ટ મેચ રમાઇ રહી હતી, જેમાં ચાર્લી ગ્રિફિથનો બાઉન્સર નરી કોન્ટ્રાક્ટરના માથામાં વાગ્યો હતો. કોન્ટ્રાક્ટરને થયેલી ઈજા એટલી ગંભીર હતી કે, તેમના પર એકથી વધુ સર્જરી કરવામાં આવી હતી. માથામાંથી એટલું લોહી વહી ગયું હતું કે સાથી ખેલાડીઓએ હોસ્પિટલમાં લોહી આપવું પડ્યું હતું. આ પછી તેઓ ભારત પરત ફર્યા હતા. બાદમાં તે સમયના વિખ્યાત ન્યુરોસર્જર ડો. ચંડીએ તમિલનાડુના વેલોર ખાતેની ક્રિશ્ચિયન મેડિકલ કોલજેમાં ઓપરેશન કરીને તેમના માથામાં ટાઈટેનિયમની પ્લેટ નાંખી હતી. આ પછી તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પુનરાગમન પણ કર્યું હતું.