નવી દિલ્હી: ભારતીય વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં પહેલા જ દિવસે ભારતને ઐતિહાસિક સિલ્વર મેડલ અપાવીને નવો ઈતિહાસ રચ્યો છે. મીરાબાઈએ ૪૯ કિગ્રા વજન વર્ગમાં કુલ ૨૦૨ કિગ્રા વજન ઉંચક્યું હતુ. મીરાબાઈ ચાનુએ આ સિદ્ધિ મેળવ્યા બાદ જીતની ખુશી વ્યક્ત કરતાં ભાંગડા કર્યું હતુ.
ઐતિહાસિક જીત બાદ મીરાબાઇએ કહ્યું કે, હું ખુબ જ ખુશ છું. હું છેલ્લા પાંચ વર્ષથી આ પળની રાહ જોઈ રહી હતી. મેં ગોલ્ડ મેડલ જીતવા માટે જ પ્રયાસ કર્યો હતો. આમ છતાં હું સિલ્વર જીતી શકી છું. જોકે મારા માટે આ સિલ્વર મેડલ પણ ઘણી મોટી સિદ્ધિ સમાન છે. દેશ માટે ટોક્યો ઓલિમ્પિકમાં સૌપ્રથમ મેડલ જીતવાનો મને આનંદ છે. આ મેડલ માત્ર મણીપુરનો નથી પણ આખા દેશનો છે. હું મારા કોચ વિજય શર્મા અને અન્ય સપોર્ટ સ્ટાફનો આભાર માનું છું.
તીરંદાજમાંથી વેઈટલિફ્ટર
બાળપણમાં મીરાબાઈનું સ્વપ્ન તીરંદાજ બનવાનું હતું. જેના માટે તેણે પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી હતી. જોકે તે જ્યારે આઠમા ધોરણમાં ભણતી હતી, ત્યારે તેના પાઠયપુસ્તકમાં મહાન વેઈટલિફ્ટર કુંજારાની દેવીની સફળતાનો પાઠ સામેલ હતો. તેની મીરાબાઈ પર ઘણી ઘેરી અસર થઈ હતી. જે પછી તેણે તીરંદાજી છોડી દીધી અને વેઈટલિફ્ટિંગ શરૂ કર્યું. આ પછી ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય વેઈટલિફ્ટર અનીતા ચાનુ તેની કોચ બની હતી.
૨૦૧૬માં સદંતર નિષ્ફળ
પાંચ વર્ષ અગાઉ વર્ષ ૨૦૧૬માં રિયો ઓલિમ્પિકમાં મીરાબાઈ સદંતર નિષ્ફળ રહી હતી. તેણે તમામ પ્રયાસોમાં ફોલ્ટ કરતાં તેણે ઊંચકેલા વજનને ઓફિશિયલ યાદીમાં સામેલ કરવામાં આવ્યું નહતુ. આમ તે ફોલ્ટની નિરાશા સાથે બહાર ફેંકાઈ હતી.
માતાની મૂલ્યવાન ભેટ
મીરાબાઈ ચાનુએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે વેઈટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સમયે તેણે કાનમાં ઓલિમ્પિક રિંગ્સના આકારના જ ઈયરિંગ્સ પહેર્યા હતા, જે તેને માતાએ ૨૦૧૬ના રિયો ઓલિમ્પિક અગાઉ ભેટમાં આપ્યા હતા. પુત્રીની સિદ્ધિને કારણે તેની માતા સૈખોમ ઓન્ગબી ટોમ્બી લેઈમાના આંખોમાં હર્ષાશ્રુ છલકાઈ ઉઠયા હતા. તેમણે કહ્યું કે, મેં તેના ઈયરિંગ્સ ટીવી પર જોયા. આ ઈયરિંગ્સ મેં તેને ૨૦૧૬ના રિયો ઓલિમ્પિક પહેલા ભેટમાં આપ્યા હતા.
જંગલમાંથી લાકડાના ભારો ઊંચકી લાવતી
અત્યંત સાધારણ પરિવારમાં જન્મેલી મીરાબાઈ બાળપણમાં જંગલમાંથી લાકડાનો મોટો ભારો ઉંચકીને લાવતી હતી. બાળપણને વાગોળતાં તેના ભાઈ બિઓન્ટ મીટાઈએ કહ્યું કે, તે ખૂબ જ શાકભાજી ખાતી અને તેને જ્યૂસ બહુ જ ભાવતો. તે જંગલમાં લાકડા વીણવા જતી ત્યારે ત્યાં જ ફળો શોધીને ખાતી હતી. ઘરમાં ભોજન બનાવવા માટે વપરાતા લાકડા વિણવા માટે તે નાનપણથી જંગલમાંથી લાકડા લાવતી. નાનકડી
મીરાબાઈને મોટો ભારો ઊંચકતા જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થતું. જોકે તે નાનપણથી ખુબ મજબૂત હતી.