નવી દિલ્હીઃ ભારતીય એથ્લીટ મયંક વૈદે દુનિયામાં સૌથી કઠિન માનવામાં આવતી એન્ડુરોમન ટ્રાયથ્લોન રેસ વિક્રમજનક સમયમાં પૂરી કરીને ઇતિહાસ રચ્યો છે. આ રેસ જીતનારો એ ૪૪મો એથ્લીટ અને પહેલો એશિયન એથ્લીટ છે. મયંકે શારીરિક-માનસિક સજ્જતાની અગ્નિપરીક્ષા કરતી આ સ્પર્ધા ૫૦ કલાક ૨૪ મિનિટમાં જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ વિક્રમ બેલ્જિયમના જુલિયન ડેનેયરના નામે હતો. જુલિયને આ રેસ ૫૨ કલાક ૩૦ મિનિટમાં પૂરી કરી હતી, પણ મયંક વૈદે આ સમય કરતાં બે કલાક ૬ મિનિટ પહેલાં રેસ પૂરી કરીને વિશ્વવિક્રમ સર્જ્યો છે.
એન્ડુરોમન રેસ જીત્યા બાદ મયંક વૈદે એક મુલાકાતમાં કહ્યું હતું કે દુનિયામાં આ સૌથી મોટી પોઇન્ટ - ટુ - પોઇન્ટ ટ્રાયથ્લોન રેસ છે. અત્યાર સુધીમાં માત્ર ૪૪ લોકો એ જીતી શક્યા છે. એના કરતાં વધારે લોકો તો માઉન્ટ એવરેસ્ટ પર ચડી ચૂક્યા છે. વાસ્તવમાં આ દુનિયાની સૌથી કઠિન ટ્રાયથ્લોન છે.
આ રેસમાં કેવા કેવા પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એ મુદ્દે બોલતાં મયંક વૈદે કહ્યું હતું કે આ રેસમાં સ્વિમિંગ અને સાઇકલ રેસ સૌથી કઠિન તબક્કા છે. ઊંઘ્યા વિના આ રેસ પૂરી કરવાની હોય છે. (બ્રિટનના) કેન્ટથી નીકળ્યા બાદ જ્યારે ફ્રાન્સનો દરિયા કિનારો દેખાય છે ત્યારે એ રેસ પૂરી કરવા માટે અલગ પ્રકારની શક્તિનો સંચાર થાય છે. મારા સાથીઓએ કહ્યું હતું કે ફ્રાન્સનો કિનારો દેખાય એટલે માથું ઊંચું કર્યા વિના તરતો રહેજે, તું નિર્ધારિત લક્ષ્યાંક સુધી પહોંચી જઇશ.
કેવી હોય છે રેસ?
આ રેસ લંડનથી શરૂ થાય છે. ટ્રાયથ્લોન રેસની શરૂઆત માર્બલ આર્કથી શરૂ થઈ હતી, જેમાં ૧૪૦ કિલોમીટરનું અંતર દોડીને કાપવાનું હોય છે અને આ રેસ ડોવરમાં પૂરી થાય છે. આ પછી કેન્ટના કિનારેથી ૩૩.૮ કિલોમીટરની સ્વિમિંગ રેસ હોય છે અને એ ફ્રાન્સના કિનારે પૂરી થાય છે. એ પછી ૨૮૯.૭ કિલોમીટરની સાઇકલ રેસ હોય છે. એ ફ્રાન્સના કેલેશ શહેરથી આર્ક ડી’ ટ્રોમ્ફ વચ્ચે હોય છે.
• કુલ ૪૬૩.૫ કિમીની એન્ડુરોમન રેસ જીતનારો મયંક પહેલો એશિયન
• આ રેસમાં એથ્લીટને સ્વિમિંગ, રેસ અને સાઇકલિંગ કરવી પડે છે
• રેસ લંડનથી શરૂ થાય છે, બ્રિટન-ફ્રાન્સ વચ્ચે સ્વિમિંગ, સાઇક્લિંગ સાથે પેરિસમાં સમાપન