મરિયપ્પન પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો

Tuesday 13th September 2016 14:34 EDT
 
 

સાલેમઃ રિયો પેરાલિમ્પિકમાં હાઇ જમ્પમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવીને ૨૨ વર્ષનો મરિયપ્પન થાંગાવેલુ રાષ્ટ્રીય અખબારોમાં છવાઇ ગયો છે. ગોલ્ડ મેડલ સુધી પહોંચવા માટે તેણે જે લાંબી મજલ કાપીને અને તેની માતાએ જે સંઘર્ષ કર્યો છે તે સહુ કોઇ માટે પ્રેરણાદાયી બની રહે તેવી છે.
મરિયપ્પને ટી-૪૨ વર્ગમાં આ સિદ્ધિ મેળવી છે, આ કેટેગરીમાં તેવા એથ્લીટનો સમાવેશ થાય છે, જેમના શરીરના નીચેનો ભાગ વિકલાંગ હોય છે. મરિયપ્પને ગયા માર્ચમાં ટયુનિશિયામાં યોજાયેલી ગ્રાં-પ્રિમાં ૧.૭૮ મીટરનો જમ્પ લગાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેણે રિયો પેરાલિમ્પિક માટે ક્વોલિફાઈ કર્યું હતું.
તામિલનાડુના સાલેમ જિલ્લાનો મરિયપ્પન થાંગાવેલુ એકદમ ગરીબ પરિવારમાંથી આવે છે. થાંગાવેલુના પિતા એક દશક પહેલાં પરિવારને છોડીને જતા રહ્યા હતા. જેના કારણે તેની માતા સરોજા શાકભાજી વેચીને તેને ઉછેર્યો છે. દિવસના માંડ ૧૦૦ રૂપિયા કમાનાર સરોજા જોકે પુત્રની સિદ્ધિથી આજે ઘણી ખુશ છે. સરોજાનું કહેવું છે કે મરિયપ્પનને ગોલ્ડ મેડલ જીતતો જોઈને ઘણી ખુશી થઈ છે.

પરિવારની સંઘર્ષગાથા

મરિયપ્પનની માતા સરોજા પહેલાં ઇંટો ઉપાડવાનું કામ કરતી હતી. જોકે છાતીમાં દુઃખાવો થતાં તે ૫૦૦ રૂપિયા ઉછીના લાવી અને શાકભાજી વેચવાનો ધંધો શરૂ કર્યો હતો. શાકભાજી વેચીને સમગ્ર પરિવારને પોષનાર માતાનો સંઘર્ષ આજે રંગ લાવ્યો છે. પુત્ર મરિપય્યને પેરાલ્મિપકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
૧૯૯૫માં મરિયપ્પન જ્યારે માંડ પાંચ વર્ષનો હતો ત્યારે તેની સ્કૂલ પાસેથી પસાર થતી એક સરકારી બસની ટક્કરે પોતાનો પગ ગુમાવી બેઠો હતો. તેમ છતાં મરિયપ્પન હિંમત હાર્યો નહોતો. મરિયપ્પનને વોલીબોલમાં ઘણો રસ હતો. તેણે શારીરિક અક્ષમતા છતાં સ્કૂલ તરફથી વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્કૂલમાં મરિયપ્પનના સ્પોર્ટ્સ ટીચરે તેનામાં છુપાયેલી કળાને પારખી તેની પાછળ મહેનત કરી હતી. ૧૪ વર્ષની વયે મરિયપ્પન પ્રથમ વખત સ્પર્ધામાં ભાગ લીધો, અને તે પણ જનરલ કેટેગરીમાં. જેમાં મરિયપ્પને સિલ્વર મેડલ જીતીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. મરિયપ્પને ત્યારબાદ પાછળ વળીને જોયું નથી.
પાંચ વર્ષની વયે પગ ગુમાનાર મરિયપ્પનની માતાએ લાંબી કાયદાકીય લડાઈ લડી હતી. ૧૭ વર્ષની કાયદાકીય લડાઈ બાદ તેના પરિવારને બે લાખ રૂપિયા મળ્યા હતા. સરોજાએ કાયદાકીય ખર્ચ માટે એક લાખ રૂપિયા ચૂકવ્યા અને બાકીના એક લાખ રૂપિયા પોતાના પુત્રના ભવિષ્ય માટે જમા કર્યા હતા.
મરિયપ્પને બીબીએની શિક્ષા એવીએસ કોલેજમાં પૂર્ણ કરી હતી, જ્યાં ફિઝિકલ ટ્રેનિંગ (પીટી) વિભાગના ડાયરેક્ટરે તેની પ્રતિભાને પારખીને મરિયપ્પનને આગળ વધવા પ્રેર્યો. મરિયપ્પનના ભાઈ ટી. કુમારના મતે તેણે બેંગલુરુમાં સત્યાનારાયણ પાસેથી બે વર્ષ ટ્રેનિંગ લીધી હતી. આ દરમિયાન સાથે ૧૦ હજાર રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ મળ્યું હતું.

ગરીબીનાં ખપ્પરમાં જીવતો પરિવાર

મરિયપ્પનને ત્રણ ભાઇ અને એક બહેન છે, જેનાં લગ્ન થઈ ગયાં છે. ગરીબીને કારણે મોટા ભાઈ ટી. કુમારને ભણતર અધૂરું છોડવું પડયું હતું. અત્યારે પણ મરિયપ્પનનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે. બીજો ભાઈ સ્કૂલથી આગળ વધી શક્યો નહોતો. સૌથી નાનો ભાઈ અત્યારે ૧૨મા ધોરણમાં છે. તેની માતાએ કહ્યું કે, જો મદદ મળે તો પોતાના પુત્રોને કોલેજમાં ભણાવશે.
રિયો પેરાલિમ્પિકમાં અમેરિકન પેરા એથ્લીટ સેમ ગ્રેવી આધુનિક બ્લેડ સાથે મેદાને ઊતર્યો હતો જ્યારે થાંગાવેલુના એક પગમાં જ શૂઝ હતા. આમ છતાં તેણે અકલ્પનીય પ્રદર્શન કરીને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. થાંગાવેલુ જમ્પ લગાવવા દોડયો ત્યારે એક પગે કૂદકો લગાવીને આ સિદ્ધિ મેળવી હતી.

મરિયપ્પનની દિલેરીઃ રૂ. ૩૦ લાખ શાળાને આપશે

પેરાલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા મરિયપ્પન પોતાને મળેલા ૨ કરોડ રૂપિયાના પુરસ્કારમાંથી રૂ. ૩૦ લાખ પોતાની સરકારી શાળાને આપવાનો નિર્ણય કર્યો છે. મરિયપ્પનના આ નિર્ણયે લોકોનું દિલ જીતી લીધું છે. તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જયલલિતાએ મરિયપ્પન માટે રૂ. ૨ કરોડનો પુરસ્કાર જાહેર કર્યો હતો. મરિયપ્પને જણાવ્યું કે 'હવે જે વિદ્યાર્થીઓ મારી શાળામાં અભ્યાસ માટે આવે તેમને વધુ સારી સવલત મળે તેના માટે આ નિર્ણય લીધો છે. આ ફંડથી મારી શાળા રમતગમતના સાધનો ખરીદાય તેવી ખ્વાહીશ છે.'


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter