રિયા ડી જાનેરોઃ બ્રાઝિલના મહાન ફૂટબોલર પેલેને મંગળવારે સાન્ટોસના વિલા બેલમિરો સ્ટેડિયમમાં હજારો રમતપ્રેમીઓની હાજરીમાં લાગણીસભર અંતિમ વિદાય અપાઇ હતી. કોલોન કેન્સરથી પીડાતા પેલેનું 30 ડિસેમ્બરે સાઓ પાઉલોની હોસ્પિટલમાં 82 વર્ષની વયે નિધન થયું હતું. પેલેના પાર્થિવ દેહને સોમવારે સાઓ પાઉલોના સ્ટેડિયમ ખાતે અંતિમ દર્શનાર્થે મૂકાયો હતો જ્યાં હજારોની સંખ્યામાં ચાહકો ઉમટ્યા હતા.
પેલેના નામથી જગવિખ્યાત એડસન એરાન્ટસ ડો નાસિમેન્ટોએ બ્રાઝિલની ટીમમાંથી રમતા ત્રણ વખત ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યા હતા અને આ સિદ્ધિ ઉપલબ્ધ કરનાર તે વિશ્વના એકમાત્ર ફૂટબોલર હતા. પેલેની અંતિમવિધિ પૂર્વે તેમના કોફિનને સાન્ટોસની ગલીઓમાંથી લઈ જવાયું હતું, જ્યાં પેલેનું એક ઘર પણ આવેલું છે. પેલેએ 1956માં સાન્ટોસ ક્લબ સાથે કરાર કર્યો ત્યારે તેમની ઉંમર 15 વર્ષની હતી. સાન્ટોસ તરફથી પ્રથમ મેચમાં રમતા પેલેએ બે ગોલ કર્યા હતા. ત્યારપછી તેઓ ક્લબના મહત્વના સભ્ય બની ગયા હતા. 1974 સુધી તેઓ ક્લબ સાથે જોડાયેલા રહ્યા હતા. પેલે 1975થી 1977 સુધી ન્યૂયોર્ક કોસમોસ ક્લબ તરફથી પણ રમ્યા હતા.
પ્રોફેશનલ ફૂટબોલર તરીકે પેલેએ બ્રાઝિલને ત્રણ વખત વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું હતું અને તેમના રેકોર્ડ અકબંધ રહે તેવી પૂરી સંભાવના છે. ફૂટબોલમાં મહાન શબ્દની શરૂઆત પેલેથી થઈ હતી. બ્રાઝિલના એક નાના વિસ્તારમાંથી આવેલા પેલેએ વિશ્વમાં ફૂટબોલની પરિભાષા બદલી નાખી હતી. પેલેની હાજરીમાં બ્રાઝિલે 1958, 1962 તથા 1970માં વર્લ્ડ કપ જીત્યા હતા. અત્યાર સુધી પેલે સિવાય વિશ્વનો કોઈ પણ ખેલાડી ત્રણ વર્લ્ડ કપ ટાઇટલ જીતી શક્યો નથી. પેલેએ કુલ ચાર વર્લ્ડ કપ જીત્યા હતા અને ત્રણમાં ચેમ્પિયન બન્યા હતા. 1958ના વર્લ્ડ કપમાં સુદાન સામે વર્લ્ડ કપની ફાઇનલમાં પેલેએ બે ગોલ કર્યા હતા. તેમણે પ્રોફેશનલ કારકિર્દીમાં કુલ 1363 મેચ રમી હતી અને 1281 ગોલ નોંધાવ્યા હતા. બ્રાઝિલ માટે તેણે 92 મેચમાં 77 ગોલ કર્યા હતા અને 1971માં ઇન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા કરી હતી.
સતત બે વર્ષ 100 કરતાં વધુ ગોલ
પેલેના નામે સતત બે વર્ષમાં 100 કરતાં વધારે ગોલનો રેકોર્ડ પણ છે. તેમણે 1959માં 127 તથા 1961માં 110 ગોલ નોંધાવ્યા હતા. વિશ્વના આ સિદ્ધિ મેળવનાર તેઓ એકમાત્ર ફૂટબોલર છે.
વર્લ્ડ કપમાં ગોલ નોંધાવનાર યંગેસ્ટ પ્લેયર
1958માં પેલેએ પોતાનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. તેમણે 17 વર્ષ અને 239 દિવસની વયે વેલ્સ સામેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં વર્લ્ડ કપમાં પોતાનો પ્રથમ ગોલ નોંધાવ્યો હતો અને તે ટૂર્નામેન્ટમાં ગોલ નોંધાવનાર યંગેસ્ટ ફૂટબોલર બની ગયા હતા. તેણે 17 વર્ષ અને 244 દિવસની વયે 1958ના વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ફ્રાન્સ સામે હેટ્રિક ગોલ પણ નોંધાવ્યા હતા. આ સાથે તે હેટ્રિક નોંધાવનાર સૌથી નાની વયના ફૂટબોલર પણ બન્યા હતા. પેલે 18 વર્ષની વય પહેલાં ફિફા વર્લ્ડ કપમાં ગોલ નોંધાવનાર વિશ્વના એક માત્ર ખેલાડી પણ હતા.
પેલેનું અસલી નામ એડસન હતું
મહાન ફૂટબોલરને પેલેના નામથી ઓળખવામાં આવે છે પરંતુ તેમનું અસલી નામ એડસન અરાંતેસ ડો નેસમેન્ટો હતો. આ નામ તેમના માતાપિતા તરફથી અપાયું હતું. બ્રાઝિલમાં પ્રત્યેક વ્યક્તિના એકથી બે નિકનેમ હોય છે. તેઓ ડિકો તરીકે પણ ઓળખતા હતા. પેલેનો જન્મ થયો ત્યારે તેમના શહેરમાં વીજળીનો બલ્બ આવ્યો હતો અને તેની રોશની જોઇને માતાપિતા ખુશ થયા હતા. આ બલ્બના શોધકર્તા થોમસ એલ્વા એડિસનના નામે પેલેનું નામ એડિસન રાખવામાં આવ્યું હતું પરંતુ સ્પેલિંગની ભૂલના કારણે તેઓ નામ રાખી શક્યા નહોતા.