માન્ચેસ્ટરઃ ઈંગ્લેન્ડે બોલર્સે કરેલા શિસ્તબદ્ધ પ્રદર્શનની મદદથી બીજી ટેસ્ટ મેચમાં ૩૩૦ રને શાનદાર વિજય મેળવ્યો છે. યજમાન ટીમે અહીં રમાયેલી બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે પાકિસ્તાનને હરાવીને ચાર ટેસ્ટની શ્રેણી ૧-૧થી સરભર કરી હતી.
ઇંગ્લેન્ડે આપેલા ૫૬૫ રનના કપરા લક્ષ્યાંક સામે પાકિસ્તાનનો બીજો દાવ ૨૩૪ રનમાં સમેટાઇ ગયો હતો. રનના માર્જિનના આધારે ઇંગ્લેન્ડ પાકિસ્તાન સામે આ બીજો સર્વશ્રેષ્ઠ વિજય છે. અગાઉ ઇંગ્લેન્ડે પાકિસ્તાનને ૨૦૧૦માં ટ્રેન્ટબ્રીજ ખાતે ૩૫૪ રનથી પરાજય આપ્યો હતો. જોઇ રુટને મેન ઓફ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
મેચ જીતવા માટે કપરા લક્ષ્યાંક સામે મેદાને પડેલી પાકિસ્તાનની ટીમે ૨૫ રનના સ્કોર સુધીમાં ઓપનર શાન મસૂદ (૧) તથા અઝહર અલી (૮)ની વિકેટ ગુમાવીને રનચેઝની કંગાળ શરૂઆત કરી હતી. યુનુસ ખાન (૨૮) તથા હફિઝે ત્રીજી વિકેટ માટે ૫૮ રનની ભાગીદારી નોંધાવી હતી.
આ પૂર્વે ઈંગ્લેન્ડે મિડલ ઓર્ડર બેટ્સમેન જોઈ રુટના ઝમકદાર ૨૫૪ અને એલન કૂકના ૧૦૫ રન અને બાદમાં બોલર્સે કરેલા ચુસ્ત બોલિંગ પ્રદર્શનની મદદથી પાકિસ્તાન સામે મજબૂત સ્થિતિ કરી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતાં ઇંગ્લેન્ડે આઠ વિકેટે ૫૮૯ રને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. પાકિસ્તાનનો પહેલો દાવ ૧૯૮ રનમાં સમેટાયો હતો, મિસબાહ ઉલ હકનું સૌથી વધુ બાવન રનનું યોગદાન હતું.
આ પછી બીજી ઇનિંગમાં ઈંગ્લેન્ડે એક વિકેટે ૭૬ રન કરીને દાવ ડિકલેર કરતાં પાકિસ્તાન સામે મેચ જીતવા ૫૬૫ રનનો પહાડી લક્ષ્યાંક આવી ગયો હતો. જોકે બીજી ઇનિંગમાં પાકિસ્તાની બેટ્સમેનોએ ધબડકો કર્યો હતો અને ૨૩૪ રનમાં જ સમગ્ર ટીમ પેવેલિયનમાં પાછી પહોંચી ગઇ હતી.
મિસબાહ માંડ બચ્યો
પાકિસ્તાનનો કેપ્ટન મિસબાહ ઉલ હક ટેસ્ટ મેચના ત્રીજા દિવસે રવિવારે માંડ માંડ બચ્યો હતો. એક ઘાતક બાઉન્સર તેની હેલમેટ પર વાગતા તે તૂટી ગઇ હતી. ઇંગ્લેન્ડનો ઝડપી બોલર ક્રિસ વોકિસે પ્રથમ તબક્કાની અંતિમ ઓવર નાખી રહ્યો હતો. તેણે બીજો બોલ બાઉન્સર નાખ્યો હતો જેને મિસબાહે રમવાનું ટાળ્યું હતું. જોકે બોલ હેલમેટની બાજુ પર વાગતા તેમાં રહેલું સ્ટેમ ગાર્ડ તૂટીને હવામાં ઉછળ્યું હતું. સદનસીબે તેને કોઇ ઇજા થઇ નહોતી. ઇંગ્લિશ ખેલાડીઓ તરત મિસબાહ પાસે દોડી ગયા હતા. તેને કંઇ થયું ન હોવાથી રમત જારી રાખવામાં આવી હતી.