માયામીઃ સ્વિત્ઝર્લેન્ડનો રોજર ફેડરર વિશ્વનો મહાન ટેનિસ ખેલાડી છે કે નહીં તેની ચર્ચા વર્ષોથી ચાલતી રહી છે. આ સ્વિસ સ્ટારને મહાન નહીં માનનારા નિષ્ણાતો પાસે સૌથી મોટો તર્ક રફેલ નાદાલ સામેનો તેનો નબળો રેકોર્ડ છે. જોકે હવે એવું લાગી રહ્યું છે કે ફેડરર આ રેકોર્ડ સુધારવામાં વ્યસ્ત બની ગયો છે. તેણે માયામી ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલની ફાઇનલમાં સ્પેનના નાદાલને બે સેટમાં ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. આ સાથે ૧૮ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન ફેડરરે કારકિર્દીનું ૯૧મું ટાઇટલ જીત્યું છે.
ફેડરરે ચાલુ વર્ષે નાદાલને સતત ત્રીજી વખત તથા ઓવરઓલ ચોથી વખત હરાવ્યો છે. ફેડરર હવે નાદાલ સામે ૧૪ મુકાબલા જીતી ચૂક્યો છે. ક્લે કોર્ટના બાદશાહ ગણાતા નાદાલે ફેડરરને કુલ ૨૩ વખત હરાવ્યો છે. હાર્ડ કોર્ટ પર ફેડરરનો રેકોર્ડ ૧૦-૯નો રહ્યો છે.
વિમેન્સ સિંગલ્સમાં કોન્ટા ચેમ્પિયન
બ્રિટનની ટેનિસ સ્ટાર જોહાન કોન્ટાએ વિમેન્સ સિંગલ્સમાં ડેન્માર્કની અનુભવી ખેલાડી કેરોલિન વોઝનિયાકીને સીધા સેટમાં ૬-૪, ૬-૩થી હરાવીને માયામી ઓપન ડબ્લ્યૂટીએ ટેનિસ ટૂર્નામેન્ટનું ટાઇટલ પોતના નામે કર્યું છે. ઓસ્ટ્રેલિયામાં જન્મેલી કોન્ટાએ ફાઇનલ મુકાબલામાં આક્રમકતા જાળવી રાખીને પુનરાગમન ગેમમાં એકતરફી દબદબો મેળવ્યો હતો. કોન્ટા આ ટાઇટલ જીતવાની સાથે ૧૯૭૭ બાદ મેજર ટાઇટલ જીતનાર બ્રિટનની પ્રથમ ખેલાડી બની છે. ૧૯૭૭માં વર્જિનિયા વેડેએ વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ જીત્યો હતો.