નવી દિલ્હીઃ પાકિસ્તાનનો એક સમયનો ઝંઝાવાતી બોલર ઈમરાન ખાન હાલ ભારતની મુલાકાતે છે. ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઇમરાન ખાને ક્રિકેટના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું, 'મારા મતે સચિન તેંડુલકર કરતા સુનિલ ગાવસ્કર વધુ ચઢિયાતો બેટ્સમેન કહી શકાય કેમ કે ગાવસ્કર વેસ્ટ ઈન્ડિઝના ચાર મહાન બોલરો ઉપરાંત ઓસ્ટ્રેલિયાના ડેનિસ લીલી સામે પણ રમ્યો હતો અને રનના ઢગલા ખડક્યા હતા. ભારતની ટીમમાં તે એક માત્ર એવો બેટ્સમેન હતો કે જે આ પ્રકારનો આત્મવિશ્વાસ ધરાવતો હતો અને પોતાને મહાન પૂરવાર કરે તેવી ટેક્નિક ધરાવતો હતો. સચિન તેંડુલકરને આ સ્તરના બોલરો સામે રમવાનું નહોતું આવ્યું.'
અલબત્ત, ઈમરાન ખાને તે પછી ઉમેર્યું હતું કે બે જુદા જુદા સમયગાળાના ક્રિકેટરો વચ્ચે તુલના કરવી યોગ્ય નથી. ઈમરાને એમ પણ કહ્યું કે ભારતમાં ગાવસ્કર અને તે પછી કપિલ દેવનું આગમન તે રમતની રીતે સુવર્ણ પ્રકરણ સમાન હતું. કપિલ દેવ એવો પ્રથમ ફાસ્ટ બોલર હતો જેનો અભિગમ આક્રમક હતો અને જે બાઉન્સર ફેંકીને પડકાર ઊભો કરી શકતો હતો. તે ખતરનાક બેટ્સમેન પણ હતો. તેને એક ઉત્કૃષ્ટ ઓલરાઉન્ડર કહી શકાય.
ઈમરાનના મતે શેન વોર્ન કરતા અબ્દુલ કાદિર વધુ સારો સ્પિનર હતો કેમ કે કાદિરના જમાનામાં ફ્રન્ટ ફૂટ પર બેટ્સમેનને લેગબિફોર જાહેર નહોતા કરાતા. જો કાદિર આવા અરસામાં રમતો હોત તો તેની ઘણી વધુ વિકેટો હોત.
પાકિસ્તાનના બેટ્સમેનોમાં માજીદ ખાન અને ઝહિર અબ્બાસ તેના ફેવરિટ હતા. માજીદ ખાનની છટાથી પ્રભાવિત હતો. આ છતાં મિયાદાદને તે પાકિસ્તાનનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માને છે. છેલ્લા બોલ કે પરિણામ મેળવવા માટે તે જે રીતે ઝઝૂમતો તે સ્પિરિટ જોવા જેવો હતો.