ગુવાહાટીઃ ટીમ ઇંડિયાના અનુભવી ઓફ સ્પિનર આર. અશ્વિને સ્વીકાર્યું છે કે પાંચમી ઓક્ટોબરથી ઘરઆંગણે રમાનારો વન-ડે વર્લ્ડ કપ મારો છેલ્લો રહેશે. અશ્વિને જણાવ્યું હતું કે હું શાનદાર રિધમ તથા ફોર્મમાં છું અને વર્લ્ડ કપની ટૂર્નામેન્ટ તથા ક્રિકેટ ફીવરનો આનંદ માણી રહ્યો છું. ભારત માટે મારો આ છેલ્લો વર્લ્ડ કપ છે અને ટૂર્નામેન્ટનો આનંદ માણવો મારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત છે.
ટીમની પસંદગી સંદર્ભે અશ્વિને જણાવ્યું હતું કે જીવનમાં ઘણા ચઢાવ-ઉતાર આવતા હોય છે અને વર્લ્ડ કપ ટીમમાં પસંદગી થશે તેવી મને કોઈ આશા નહોતી. ટીમ સાથે હું રહીશ તેવું પણ મેં ક્યારેય વિચાર્યું નહોતું. હું ટીમ સાથે રહું અને મેનેજમેન્ટે મારા ઉપર વિશ્વાસ દાખવ્યો છે તે સંજોગોએ સુનિશ્ચિત કર્યું છે.
ડાબોડી સ્પિનર અક્ષર પટેલ ટીમમાંથી બહાર થઈ જતાં અશ્વિનની વર્લ્ડ કપ ટીમમાં પસંદગી કરાઇ છે. વર્લ્ડ કપના ઇતિહાસમાં અશ્વિને 10 મેચ રમી છે અને તેણે છેલ્લો મુકાબલો 2015માં રમ્યો હતો. તેણે 24.88ની એવરેજથી 17 વિકેટ હાંસલ કરી હતી અને 25 રનમાં ચાર વિકેટ બેસ્ટ પ્રદર્શન હતું. વર્તમાન ભારતીય ટીમમાં વિરાટ કોહલી ઉપરાંત અશ્વિન 2011માં ચેમ્પિયન બનેલી ટીમનો એકમાત્ર ખેલાડી છે.