દેહરાદૂનઃ કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રિષભ પંતની સ્થિતિ સુધારા પર છે. દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં તેની સારવાર ચાલે છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ રિષભ પંતને હવે પગના લિગામેન્ટની ટ્રીટમેન્ટ માટે મુંબઇ ખસેડશે તેવા અહેવાલ છે. ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી રિષભ પંત 30 ડિસેમ્બરે રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઉત્તરાખંડમાં પંતની મર્સિડીઝ કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. ડિવાઇડર સાથે અથડાયા બાદ કારમાં આગ લાગી હતી. જોકે તે કોઈ રીતે કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યો હતો. અકસ્માત બાદ પંતને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. રિષભ પંતની કારનો અકસ્માત કઇ રીતે થયો તેનું કારણ સ્પષ્ટ નથી. પોલીસનું માનવું છે કે, તેને ઝોકું આવી જતાં અકસ્માત થયો હતો. જ્યારે અન્યોના મતે માર્ગમાં ખાડાના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે.
આ અકસ્માતમાં પંતને માથામાં બે કટ થયા છે અને જમણા પગના ઘૂંટણનું લિગામેન્ટ પણ તૂટી ગયું છે. આ સિવાય તેના જમણા હાથના કાંડા, એડી અને અંગૂઠામાં પણ ઇજા થઈ છે અને પીઠ પર પણ ઊંડી ઇજાનાં નિશાન છે. તેની ગંભીર ઇજાઓને જોતાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આગામી કેટલાક મહિનાઓ સુધી મેદાન પર ઉતરી શકશે નહીં.
રિષભ પંતના પરિવારનું કહેવું છે કે, વારંવાર મુલાકાતીઓ આવવાના કારણે રિષભ પંત યોગ્ય રીતે આરામ કરી શકતો નથી. હોસ્પિટલની મેડિકલ ટીમ પણ કહે છે કે રિષભને ઝડપથી સ્વસ્થ થવા માટે માનસિક અને શારીરિક આરામની જરૂર છે પણ મુલાકાતીઓ તેને મળવા સતત આવી રહ્યા છે. સ્ટાફનું કહેવું છે કે હાલમાં લોકોએ એમને મળવાનું ટાળવું જોઈએ.