વેલિંગ્ટનઃ એંશી અને એંશીના દસકાના ધૂરંધર બેટ્સમેન અને બેસ્ટ કેપ્ટન ગણાતા ન્યૂ ઝિલેન્ડના ક્રિકેટર માર્ટિન ક્રોવનું ૫૩ વર્ષની વયે કેન્સરથી નિધન થયું છે. તેઓ લાંબા સમયથી આ જીવલેણ બીમારીથી પીડાતા હતા.
ભારતના ભૂતપૂર્વ ખેલાડી સચિન તેંડુલકરે ક્રોવના નિધન પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ક્રોવના પરિવાર અને તેના પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના છે. તેઓ એક મહાન ક્રિકેટર હતા, જેમણે પોતાના જીવનના અંતિમ સમય સુધી સંઘર્ષ કર્યો.
માર્ટિન ક્રોવ કારકિર્દી દરમિયાન ૭૭ ટેસ્ટ મેચ રમ્યા હતા, જેમાં તેમણે ૪૫.૩૬ની સરેરાશથી ૫૪૪૪ રન અને વન-ડેમાં ૪૭૦૪ રન કર્યા હતા. તેમણે ૧૯૮૫માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર તરીકે પણ પસંદ કરાયા હતા. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તેઓ ક્રિકેટ કોમેન્ટ્રેટર બન્યા હતા.
ક્રોવે ત્રણ વર્ષ પહેલા જ પ્રકાશિત કરેલી પોતાની આત્મકથામાં નોંધ્યું હતું કે કેન્સરને લીધે તેમનામાં અનેક વખત ભાવુકતા અને સંદેહની સ્થિતિ પેદા થઈ ગઈ છે, જેનાથી તે અનેક વખત ગભરાઈ જતા હતા.
ક્રિકેટમાંથી નિવૃત્તિ
ઘૂંટણની ઈજા આખરે ક્રોવની કેરિયરનો અંતિમ પડાવ સાબિત થઈ હતી. તેણે ૧૯૯૫માં ક્રિકેટને અલવિદા કહ્યું. ક્રોવે ૭૭ ટેસ્ટ મેચમાં ૧૭ સદી ફટકારી હતી, જે અત્યાર સુધીમાં ન્યૂ ઝિલેન્ડના બેટ્સમેનોમાં સર્વાધિક છે. ૧૯૯૦માં તેમણે ક્રિકેટ મેક્સ નામથી રમતના સૌથી નાના ફોર્મેટનો વિચાર આપ્યો, જેને હવે ટી૨૦ ક્રિકેટ કહેવાય છે.
યાદગાર સિદ્ધિઓ
• ૧૯૮૩માં સમરસેટ કાઉન્ટી ટીમ માટે ૧૮૭૦ ફર્સ્ટ ક્લાસ રન કર્યા.
• ૧૯૮૫માં ઓસ્ટ્રેલિયા સામે ૧૮૮ રનની ઇનિંગ્સ રમીને ચર્ચામાં રહ્યા.
• ૧૯૯૧માં એન્ડ્રયુ જોન્સ સાથે શ્રીલંકા સામે પહેલી ટેસ્ટમાં ૪૬૭ રનની ભાગીદારી, જેમાં ક્રોવનું ૨૯૯ રન યોગદાન.
• ૧૯૯૨ના વર્લ્ડ કપમાં ક્રોવે ન્યૂ ઝિલેન્ડનું નેતૃત્વ કર્યું. તે પહેલા કેપ્ટન હતા, જેમણે સ્પિનર દીપક પટેલ પાસે ઓપનિંગ બોલિંગ કરાવી હતી.