મુંબઈઃ આઈપીએલની દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ કોવિડ પોઝિટિવ જાહેર થયા બાદ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મિચેલ માર્શ પણ કોરોનાથી સંક્રમિત થતાં ચિંતાનું મોજું ફેલાયું છે. માર્શના બે આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને તેમાં સીટીની વેલ્યુ 17 હોવાથી માર્શને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. દિલ્હીના કેમ્પમાં ચાર અને હોટેલ સ્ટાફમાં ત્રણ કેસ નોંધાતા આઈપીએલના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
દિલ્હી કેપિટલ્સના ડોક્ટર સાલ્વે અને ટીમના મસાજ કરનાર વ્યક્તિનો કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જ્યારે દિલ્હીની ટીમને જે હોટેલમાં ઉતારો અપાયો છે તે હોટેલના ત્રણ કર્મચારી પણ કોરોના સંક્રમિત થયાનું બહાર આવ્યું છે. આ ત્રણેય કર્મચારી ટીમની સરભરામાં રોકાયેલા હતા. કોરોના કેસના પગલે બીસીસીઆઈની મેડિકલ ટીમો સર્તક બની છે.
મિચેલ માર્શની સાથે સાથે ટીમની સાથે જોડાયેલા અન્ય પાંચને પણ કોરોના થતાં હવે દિલ્હીની ટામને હાલ પૂરતી આઈસોલેશનમાં જ રાખવાનો નિર્ણય લેવાયો છે. હવે આગળની પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિર્ણય લેવાશે. મિચેલ માર્શ ગયા શનિવારે બેંગ્લોર સામે મેચમાં રમવા ઉતર્યો હતો, જે તેની આ સિઝનની સૌથી પ્રથમ મેચ હતી, જેમાં તેણે 24 બોલમાં 14 રન કર્યા હતા.