દુબઇઃ વર્ષ 2024ની ઇન્ડિયન પ્રીમીયર લીગ (આઈપીએલ) માટે મંગળવારે થયેલા ખેલાડીઓના ઓક્શનમાં ઇતિહાસ રચાયો છે. કોલકતા નાઇટ રાઇડર્સે (કેકેઆર)એ ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કને 24.75 કરોડની તોતિંગ કિંમતે ખરીદ્યો છે. આ સાથે જ તે અત્યાર સુધીનો આઈપીએલના સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
ઓસ્ટ્રેલિયાના બોલર મિચેલ સ્ટાર્કે નવ વર્ષના લાંબા સમય બાદ આઈપીએલમાં પુનરાગમન કર્યું છે. ગત વર્ષે પંજાબ કિંગ્સે સેમ કરનને રૂ. 18.5 કરોડમાં ખરીદ્યો હતો અને તે આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બન્યો હતો.
મિચેલ સ્ટાર્ક સૌથી મોંઘા ખેલાડી બન્યો તેની થોડી વાર પહેલાં જ ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપ વિજેતા કેપ્ટન પેટ કમિન્સને સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે ગુજરાતી ખેલાડી હર્ષલ પટેલને રૂ. 11.75 કરોડમાં પંજાબ કિંગ્સે ખરીદ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે શરૂઆતની હરાજીમાં બે પ્લેયર્સને ખરીદી લીધા છે. ચેન્નઈએ શાર્દૂલ ઠાકુરને 4 કરોડમાં જ્યારે ન્યૂઝીલેન્ડના યુવા પ્રતિભાશાળી ખેલાડી રચિન રવીન્દ્રને રૂ. 1.80 કરોડમાં કરારબદ્ધ કરાયો છે.
દુબઈમાં યોજાયેલી આઈપીએલની હરાજીમાં લીડ ઓક્શનરની જવાબદારી આ વખતે પહેલીવાર મલ્લિકા સાગરે નિભાવી હતી. વીમેન્સ પ્રીમીયર લીગની શરૂઆતની બે સિઝનમાં પણ તેમણે જ હરાજી કરી હતી. આ હરાજીમાં 333 ઉમેદવારોની હરાજી થઈ રહી છે. કુલ 10 ટીમો મહત્તમ 77 ખેલાડીઓની ખરીદી કરી શકશે.
આ વખતે કોલકાતા નાઇટ રાઇડર્સ પાસે સૌથી વધુ 12 ખેલાડીઓની જગ્યા ખાલી છે. તો ગુજરાત ટાઇટન્સ પાસે સૌથી વધુ 38.15 કરોડ રૂપિયા હરાજી માટે ઉપલબ્ધ છે. લખનઉ સુપર જાયન્ટ્સ પાસે સૌથી ઓછા 13.15 કરોડ રૂપિયા ઉપલબ્ધ છે.
આઈપીએલનું અપડેટ...
ફિટનેસ અને ઇન્ટરનેશનલ મેચ પર ધ્યાન આપવાને કારણે આ વખતે ઇંગ્લેન્ડના ખેલાડીઓ આઈપીએલમાં થોડા સમય માટે જ ઉપલબ્ધ રહેશે.
હાર્દિક પંડ્યા આઈપીએલ અગાઉથી જ ગુજરાત ટાઇટન્સની ટીમ છોડીને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન બની ચૂક્યા છે. રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમશે કે કેમ તેની ચાહકોને ઇંતેજારી છે. આ વર્ષે ક્રિકેટચાહકોની નજર મિચેલ સ્ટાર્ક, રચિન રવીન્દ્ર, પેટ કમિન્સ, ટ્રાવિસ હેડ અને ડેરેલ મિચેલ જેવા ખેલાડીઓ પર છે.