મિતાલી રાજે ઇતિહાસ રચ્યો, ૨૦૦ વન-ડે રમનાર પ્રથમ મહિલા ક્રિકેટર

Saturday 09th February 2019 07:54 EST
 
 

હેમિલ્ટનઃ ભારતીય મહિલા અને ન્યૂ ઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે પહેલી ફેબ્રુઆરીએ સિરીઝની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ હેમિલ્ટનના સડન પાર્ક ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ હતી. આ મેદાન પર ટોસ માટે ઊતરતાં જ મિતાલી રાજે ઇતિહાસ રચી દીધો હતો. આ તેની કારકિર્દીની ૨૦૦મી વન-ડે મેચ હતી. આમ મહિલા વન-ડેમાં તે સૌથી વધુ વન-ડે રમનાર વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. આ ઉપરાંત કેપ્ટન તરીકે પણ આ તેની ૧૨૩મી મેચ હતી તે પણ એક રેકોર્ડ છે.
૨૬ જૂન ૧૯૯૯માં વન-ડે ક્રિકેટમાં આયરલેન્ડ સામેની મેચ દ્વારા પદાર્પણ કરનાર ૩૬ વર્ષીય મિતાલીએ વન-ડે ક્રિકેટમાં ૫૧.૩૩ની એવરેજથી સર્વાધિક ૬,૬૨૨ રન બનાવી ચૂકી છે. જેમાં સાત સદી અને ૫૨ અર્ધી સદી સામેલ છે. તે ૨૦૦મી મેચમાં ૨૮ બોલમાં નવ રન જ બનાવી શકી હતી. મિતાલીએ ૧૦ ટેસ્ટ અને ૮૫ ટી-૨૦ મેચ પણ રમી છે. તેણે જોકે, ગત વર્ષે એપ્રિલમાં ઇંગ્લેન્ડની પૂર્વ કેપ્ટન ચાર્લોટ એડવર્ડ્સના ૧૯૧ મેચના વર્લ્ડ રેકોર્ડને પાછળ છોડી દીધો હતો. આ મેચ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે નાગપુરમાં રમાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter